ટ્રમ્પની દાદાગીરી: રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફની ધમકી, જાણો ભારત પર શું અસર થશે

By: Nation Gujarat Team
17 Jul, 2026

US Senate Bill Russian Oil 100 Percent Tariff : યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાની આર્થિક કમર તોડવા માટે અમેરિકાએ વધુ એક મોટો અને અત્યંત કડક દાવ ખેલ્યો છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (કચ્ચું તેલ) અને નેચરલ ગેસ ખરીદવાનું ચાલુ રાખનારા દેશો પર 100% સુધીનો ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવા માટેના એક બિલને અમેરિકન સેનેટર્સનું ભારે સમર્થન મળ્યું છે. 60થી વધુ સેનેટર્સના જૂથે આ બિલને સપોર્ટ જાહેર કર્યો હોવાથી હવે આ કાયદો ટૂંક સમયમાં જ પસાર થઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બિલ પાસ થતાં જ ભારત અને ચીન જેવા દેશો પર તેની સીધી અસર પડી શકે છે.

ટોપ 5 ખરીદદાર દેશો પર તલવાર લટકશે

આ બિલના કેન્દ્રમાં રહેલા ‘સેક્શન 113’ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ એવા દેશોમાંથી આયાત થતા સામાન પર 100% સુધી ટેરિફ લગાવે, જેઓ છેલ્લા 12 મહિનામાં રશિયન તેલ અથવા ગેસના ટોપ 5 ખરીદદારોમાં સામેલ રહ્યા હોય. આ સિવાય રશિયા પર લાગેલા પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરનારા ટોપ 5 દેશો પણ આ દાયરામાં આવશે. આ નિયમનો મુખ્ય ટાર્ગેટ ચીન અને ભારત હોવાનું માનવામાં આવી રહ્યું છે. વધુમાં, આ બિલ રશિયાથી સીધા ઇમ્પોર્ટ થતા સામાન પર 500% સુધી ટેરિફ લગાવવાની સત્તા પણ આપે છે.

અમેરિકા અને યુરોપ માટે બેવડા ધોરણો?

એકતરફ આ બિલ અન્ય દેશો પર કડક પ્રતિબંધો લાદે છે, તો બીજી તરફ અમેરિકા અને તેના યુરોપીયન સહયોગીઓ માટે તેમાં મોટી છૂટછાટો આપવામાં આવી છે.
યુરેનિયમ પર છૂટ: અમેરિકા પોતે રશિયા પાસેથી મોટી માત્રામાં લો-એનરિચ્ડ યુરેનિયમ ખરીદે છે, તેથી સેક્શન 114(e) હેઠળ રશિયન યુરેનિયમની ખરીદીને આ પ્રતિબંધોમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
યુરોપ માટે ગેસ પર રાહત: સેક્શન 113(d) હેઠળ યુરોપના એવા 15 દેશોને છૂટ આપવામાં આવી છે, જેઓ પોતાની કુલ જરૂરિયાતના 15%થી ઓછો ગેસ રશિયા પાસેથી ખરીદે છે અને નિર્ભરતા ઘટાડવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ છૂટ માત્ર ગેસ પર છે, ક્રૂડ ઓઇલ પર નહીં.
આ જ કારણે આલોચકો આ બિલને અમેરિકાનો ‘બેવડો ચહેરો’ ગણાવી રહ્યા છે, કારણ કે તે પોતાની જરૂરિયાતની ઊર્જા પર પ્રતિબંધ નથી લગાવતું પણ અન્ય દેશો પર દબાણ કરી રહ્યું છે.

સેનેટર લિન્ડસે ગ્રેહામનું સપનું

આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરનાર પ્રખ્યાત સેનેટર લિન્ડસે ગ્રેહામ (R-S.C.) નું આ જ અઠવાડિયે યુક્રેન પ્રવાસથી પરત ફર્યા બાદ અચાનક અવસાન થયું છે. તેમણે વ્હાઇટ હાઉસ વહીવટીતંત્ર સાથે મળીને આ કાયદો બનાવવામાં લગભગ 2 વર્ષનો સમય વિતાવ્યો હતો. તેમના નિધન બાદ આ બિલનું રાજકીય મહત્ત્વ ઘણું વધી ગયું છે અને હવે તેને વ્હાઇટ હાઉસનું પણ સમર્થન મળી રહ્યું છે.

રાષ્ટ્રપ્રમુખ પાસે રહેશે વિશેષ સત્તા

આ કાયદામાં અમેરિકન પ્રમુખને એક ખાસ સત્તા પણ આપવામાં આવી છે. તેઓ કૉંગ્રેસ (અમેરિકન સંસદ) ને જાણ કરીને કોઈપણ દેશને આ પ્રતિબંધો કે ટેરિફમાંથી વ્યાપક છૂટ આપી શકે છે. જોકે, કૉંગ્રેસ પાસે આ છૂટ સામે વાંધો ઉઠાવવા માટે ‘સંયુક્ત અસ્વીકાર પ્રસ્તાવ’ લાવવા 30 દિવસનો સમય રહેશે.


Related Posts

Load more