વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેના T20 વર્લ્ડ કપ અભિયાન પહેલા મોટો ફટકો પડ્યો છે, કારણ કે ટીમનો અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ઈજાના કારણે ઘરઆંગણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પણ તેના સ્થાનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20 શ્રેણીમાં રમી રહેલા ડાબા હાથના ઝડપી બોલર ઓબેદ મેકકોયને હોલ્ડરના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જેસન હોલ્ડર કાઉન્ટી ક્રિકેટ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે તેને ક્યાં ઈજા થઈ છે અને તે ક્યારે સાજો થશે તે અંગે કોઈ માહિતી આપી નથી. મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે કહ્યું, “જેસન હોલ્ડર અમારા સેટઅપમાં એક અનુભવી ખેલાડી છે. તેની ગેરહાજરી નિઃશંકપણે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ અનુભવાશે. અમે આશા રાખીએ છીએ કે તે ટૂંક સમયમાં સંપૂર્ણ ફિટ થઈ જશે.”
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ પાંચ રિઝર્વ ખેલાડીઓનો પૂલ પણ બનાવ્યો છે, જેઓ T20 2024 દરમિયાન ટીમની આસપાસ હશે અને જો જરૂર પડશે અથવા પછીથી કોઈને ઈજા થશે તો અંતિમ 15માં સામેલ કરવામાં આવશે. T20 વર્લ્ડ કપના સહ યજમાન અને બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ મેચ પાપુઆ ન્યુ ગિની સામે છે.
વેસ્ટ ઇન્ડિઝ ટીમ – રોવમેન પોવેલ (કેપ્ટન), અલ્ઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન), જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, શમર જોસેફ, બ્રાન્ડોન કિંગ, નિકોલસ પૂરન, શાઈ હોપ, આન્દ્રે રસેલ, રોમારીયો શેફર્ડ, ઓબેદ મેકકોય, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને શેરફેન રધરફોર્ડ.