જુનાગઢ, તા.21 : પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે. તા. ર3ને ગુરૂવારે વિધિવત રીતે પરિક્રમા લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવશે. વહીવટી તંત્ર, વન વિભાગ દ્વારા આખરી ઓપ અપાઇ ચૂકયો છે. નાયબ વન સંરક્ષક અજય જોષીના જણાવ્યા મુજબ ઇટવા ગેઇટ, જાંબુડી નાકા, માળવેલા, બોરદેવી સુધીનો કાચો રસ્તો રીપેરીંગ કરી દેવામાં આવ્યો છે. પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. જરૂરત પડે પાણી પુરવઠા બોર્ડને વધારાની કામગીરી સોંપવામાં આવી છે. જંગલના રૂટ પર મોબાઇલનું નેટવર્ક ન હોવાના કારણે સ્ટાફને વોકીટોકી, વાયરલેસ સેટ અપાય છે જેથી તુરંત સંપર્ક સાધી શકાશે. 71 અન્નક્ષેત્રોને પરમીટ અપાઇ છે, તેઓ પોતાના માલસામાનને જંગલમાં રાવટીઓ બાંધીને યાત્રીકોને ગરમા ગરમ ભોજન, ચા-પાણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વન્ય પ્રાણીઓ
પરિક્રમાની 36 કિ.મી. રૂટ પર વન્ય પ્રાણીઓ હિંસક સિંહ, દિપડા, જરખ જેવા પ્રાણીઓ માટે છ રેસ્કયુ ટ્રેકટર ટીમ મુકવામાં આવી છે સાથે વેટેનરી ડોકટર સાથે રહેશે. વન વિભાગ સતત વન્ય પ્રાણીઓનું મોનેટરીંગ કરશે.
લાકડા
જંગલમાં વાંસ સહિતના અન્ય ઝાડનું કટીંગ કરવાનું અટકાવવા માટે વન વિભાગ બાજનજર રાખશે, યાત્રીકો માટે લાકડીઓનં વિતરણ કરવામાં આવશે. કચરા પેટી માટે પ્લાસ્ટીક, કાગળ માટે 500 ડસ્ટબીન મુકવામાં આવી છે. જે દિવસ દરમ્યાન એકઠો થયેલ કચરો રાત્રી દરમ્યાન અભ્યારણની બહાર કાઢવામાં આવશે.
ગણતરી પોઇન્ટ
ગિરનારની 36 કિ.મી.ની પરિક્રમામાં કેટલા યાત્રીકો આવ્યા તેમની ગણતરી માટે નળ પાણીની ઘોડી અને ગિરનારની સીડી મળી બે પોઇન્ટ ઉભા કરાયા છે.
એસ.ટી. બસ
ગિરનારની પરિક્રમામાં સૌરાષ્ટ્ર-કચ્છ કાઠીયાવાડ, ગુજરાત ઉપરાંત દેશાવરમાંથી આવતા પ્રવાસીઓ યાત્રીકો માટે આવવા જવા માટે એસ.ટી. બસની ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એસ.ટી. ડિવીઝનલ કંટ્રોલર આર.પી.શ્રીમાળી દ્વારા આયોજન કરાયું છે. કુલ 225 એસ.ટી. બસો દોડાવવામાં આવશે તેમજ જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ જવા આવવા 60 મીની બસો મુકવામાં આવશે. જેમાં ભાડુ રૂા. રપ નકકી કરાયું છે. ખાનગી રીક્ષા સહિતના વાહનો આડેધડ ઉંચા ભાડા લઇને યાત્રીકોને લૂંટતા અટકાવી શકાશે. એસ.ટી. બસ સેવા તા. ર3 થી ર7 દરમ્યાન લીલી પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી સંચલન કરશે તેમ ડીટીઓ ખાંભલાએ જણાવ્યું છે.
જનરેટર
ગિરનાર પરિક્રમાના જંગલ રૂટ પર કે જંગલમાં લાઇટની વ્યવસ્થા ન હોવાથી રૂટ પર જનરેટરના માધ્યમથી કપડાવ ઉપર જનરેટર મુકવામાં આવશે. ડી.જી.સેટ મારફતે લાઇટ પુરી પાડવામાં આવશે. પરિક્રમાના રૂટના બોરદેવી, ત્રણરસ્તા, નળ પાણીની ઘોડી તરફ જીણા બાવાની મઢીથી માળવેલા તરફ ઇંટવા ડંકીવાળો પોઇન્ટ-1 મોળા પાણીનો પુલ (નાળુ) પાસે ડેરવાણ ત્રણ રસ્તા પાસે અને નળ પાણીની ઘોડીથી માળવેલા સાઇટ પગથિયા પુરા થાય 1 કિ.મી. દુર એક જનરેટર મુકાશે. મનપાની હદમાં મનપા લાઇટની વ્યવસ્થા કરશે. વિજ પુરવઠો સતત જળવાઇ રહે તે માટે જુનાગઢ જિલ્લા વિજ અધિક્ષક પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.