જામનગરમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, દર્દીઓની હાલત ગંભીર

By: Nation Gujarat Team
18 Jul, 2026

Chandipura Virus in Jamnagar: જામનગરમાં ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં આ વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે અન્ય એક કેસ દ્વારકા જિલ્લાથી જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યો છે. આમ, કુલ ત્રણ દર્દીઓ હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છે.

Jamnagar માં ચાંદીપુરા વાયરસનો ખતરો

જી.જી. હોસ્પિટલના પેડિયાટ્રિક વિભાગના વડા ડૉ. સોનલ શાહના જણાવ્યા અનુસાર, હાલ સારવાર હેઠળ રહેલા ત્રણેય દર્દીઓની સ્થિતિ ગંભીર છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાને નાથવા માટે તબીબી ટીમો સક્રિય થઈ ગઈ છે. ડૉ. શાહે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે એક ખાસ પ્રકારની માખીના કરડવાથી ફેલાય છે, તેથી બાળકોને ફૂલ સાઈઝના કપડાં પહેરાવવા જોઈએ જેથી તેઓ આ માખીના ઉપદ્રવથી બચી શકે.

શું રાખવી સાવચેતી?

આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ રોગથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવી અનિવાર્ય છે. જો બાળકમાં તાવ આવવો, ખેંચ આવવી, ઉલટી થવી કે ચક્કર આવવા જેવા લક્ષણો જણાય, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. જી.જી. હોસ્પિટલના તંત્રએ ખાતરી આપી છે કે જો દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો હોસ્પિટલમાં સારવાર માટેની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.


Related Posts

Load more