Jamnagar Zero Shadow Day : આકાશમાં સર્જાતી અદ્ભુત ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે જૂન મહિનો ખૂબ જ રોમાંચક સાબિત થઈ રહ્યો છે. સૂર્યની બદલાતી ગતિના કારણે હાલમાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ‘Zero Shadow Day’ (શૂન્ય પડછાયા દિવસ) નો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં ગુરુવારે, 4 જૂનના રોજ જામનગરના નભોમંડળમાં બપોરે બરાબર 12:48 મિનિટે સૂર્ય બરાબર માથા પર આવી જતાં થોડી સેકન્ડો માટે પડછાયો ગાયબ થઈ ગયો હતો.
આ દુર્લભ ખગોળીય ઘટનાને સામાન્ય જનતા અને વિજ્ઞાન પ્રેમીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે એક વિશેષ જાહેર નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન મેદાનમાં સૂર્યપ્રકાશને ઝીલી શકાય તે રીતે ટેબલ પર સફેદ પ્લેટફોર્મ તૈયાર કરી તેના પર પારદર્શક કાચ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પૃથ્વીનો ગોળો, લંબકાર અને ગોળાકાર પાઇપ, સ્ક્વેર, ત્રિકોણ તેમજ બોલ જેવા જુદા જુદા ઉપકરણો ગોઠવીને તેના પડછાયાનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું.
બપોરે 12:00 વાગ્યાથી શરૂ કરીને બરાબર 12:48 મિનિટે પડછાયો બિલકુલ સીધી લીટીમાં આવીને ગાયબ થઈ ગયો હતો અને ત્યારબાદ સૂર્યપ્રકાશ ઉલટી દિશા તરફ આગળ ધપ્યો ત્યાં સુધીનું પરફેક્ટ ડેમોન્સ્ટ્રેશન વિજ્ઞાન પ્રેમીઓએ નિહાળ્યું હતું. એમ. ડી. મહેતા વિજ્ઞાનકેન્દ્રની ટીમ અને ખગોળ મંડળના અગ્રણીઓએ આ દરમિયાન લોકોને ભૌગોલિક અને વૈજ્ઞાનિક માહિતી આપી હતી.
ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે શું આ ઘટના માત્ર જામનગરમાં જ બની છે? તો જવાબ છે ‘ના’. પૃથ્વીની ગતિના કારણે આ ઘટના ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જુદી-જુદી તારીખે અને સ્થાનિક સમયે જોવા મળે છે.