જબલપુરમાં આર્મી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ:બે કર્મચારીઓનાં મોત, 10થી વધુ દાઝ્યા;

By: nationgujarat
22 Oct, 2024

જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયા (OFK)માં મંગળવારે સવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો. બે કર્મચારીઓના મોત થયા છે જ્યારે 10થી વધુ દાઝ્યા છે. બેની હાલત ગંભીર છે, જેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફેક્ટરી મેનેજમેન્ટે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટ ફેક્ટરીના F-6 સેક્શનના બિલ્ડિંગ નંબર 200માં થયો હતો. બ્લાસ્ટ બાદ એક કર્મચારી ગુમ હતો, જેનો મૃતદેહ મળી આવ્યો છે. તે જ સમયે અન્ય એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયાના જીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. જો કે, અધિકારીઓ હાલમાં મીડિયા સાથે કોઈ માહિતી શેર કરી રહ્યા નથી. કેન્ટ વિધાનસભાના ધારાસભ્ય અશોક રોહાની ઘાયલોને જોવા માટે ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયા સ્થિત હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

બોમ્બ બનાવવા દરમિયાન બ્લાસ્ટ થયો મળતી માહિતી મુજબ ફેક્ટરીના F-6 સેક્શનમાં બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન હાઇડ્રોલિક સિસ્ટમમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટના બાદ ઘાયલ કર્મચારીઓને OFK હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલત ગંભીર બનતા કર્મચારીઓ રણધીર, શ્યામલાલ અને ચંદનને ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. બ્લાસ્ટ કેવી રીતે થયો અને કોની બેદરકારી આના માટે જવાબદાર છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

રહેવાસીઓએ કહ્યું- એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય બ્લાસ્ટ બાદ એવું લાગ્યું કે જાણે ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયાને અડીને આવેલા લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય. લોકો ઘરની બહાર આવી ગયા. માણેગાંવ, ચંપાનગર, નાનક નગરમાં રહેતા લોકોએ પણ બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. માણેગાંવમાં રહેતા મનોજ થરેજા કહે છે કે પહેલા તો એવું લાગતું હતું કે જોરદાર ભૂકંપ આવ્યો હોય, ત્યાર બાદ ખબર પડી કે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે.


Related Posts

Load more