દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને આજે ભરૂચના નેત્રમાં જનસભાને સંબોધી હતી. નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.
ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન
પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું, ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.
આપ નેતા મનોજ સોરઠીયાએ શું કહ્યું
આપના નેતા મનોજ સોરઠીયાએ કહ્યું, ચૈતર વસાવાએ ભાજપના કૌભાંડી ચિઠ્ઠાઓનો ભાંડાફોડ કર્યો એટલે આજે તેઓ જેલમાં છે. ભાજપે ચૈતર વસાવાના પરિવારને પણ બિનજરૂરી હેરાનગતિ આપી છે જે આદિવાસી સમાજ ક્યારેય ભૂલી નહિ શકે.
કોણ છે ચૈતર વસાવા
ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા હતા. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.