પેટ્રોલિયમ મંત્રાલયે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની કોઈ શક્યતા નથી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, ઘરેલુ વપરાશ માટે રસોઈ ગેસનો પર્યાપ્ત ભંડાર ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ કારણે બૂકિંગ સતત વધી રહી છે. સામાન્ય દિવસોમાં ઘરેલુ એલપીજીના બૂકિંગ લગભગ 55 લાખ થતા હતા, જે વધીને 75 લાખ થયા હતા અને શનિવારે બૂકિંગ વધીને 88 લાખ સુધી પહોંચી ગયા છે. સરકારે ગ્રાહકોને માત્ર જરૂર હોય તો જ સિલિન્ડર બૂક કરવા આગ્રહ કર્યો છે.
દરમિયાન દેશમાં એલપીજીની અછતની અફવાઓ વચ્ચે સરકારે કાળાબજારિયા સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશમાં 1483 સ્થળો પર દરોડા પાડીને 24 એફઆઈઆર નોંધાવાઈ છે તથા છ લોકોની ધરપકડ કરાઈ હતી. બીજીબાજુ છત્તીસગઢમાં ફૂડ ડિપાર્ટમેન્ટ અને જિલ્લા તંત્રે 102 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 741 એલપીજી સિલિન્ડર જપ્ત કરાયા હતા. કર્ણાટકમાં ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગે ગેરકાયદે રીતે કમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં લેવાનારા 316 ઘરેલુ એલપીજી સિલિન્ડર જપ્ત કર્યા હતા.