Rajkot Gamezone Fire Updates: રાજકોટમાં સર્જાયેલા TRP અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, રાજકોટમાં બનેલી હચમચાવી નાખે એવી ઘટના બાદ કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે. આ વચ્ચે એક રૂંવાડા ઉભા કરી દેતી માહિતી સામે આવી છે. જેમાં એક યુવકનો ગેમઝોનમાં નોકરીનો પહેલો દિવસ હતો અને આ દુર્ઘટના સર્જાઈ. હજુ સુધી તેનો કોઈ અત્તોપત્તો જ નથી, આ યુવકના મોટાભાઈ સહિત પરિવારજનો મોડીરાતથી તેને શોધી રહ્યા છે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન (Rajkot Gamezone) માં ભયાનક આગ લાગી હોવાની માહિતી મળતાં જ ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આ આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. તો જે લોકો ગેમ ઝોનમાં ગયા હતા, તેમના પરિવારજનો પણ ગેમ ઝોનની બહાર તાત્કાલિક દોડી આવ્યા હતા. આ દરમિયાન કવિરાજ નામનો યુવક પોતાના નાના ભાઈને શોધવા માટે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન તે મીડિયા સાથે વાત કરતા-કરતા ભાવુક થઈ ગયો હતો.
કવિરાજે મીડિયાને જણાવ્યું કે, મારા નાના ભાઈને આ ગેમ ઝોનમાં નોકરી મળી હતી, જેથી શનિવારે નોકરીએ પહોંચ્યો હતો. શનિવારે તેની નોકરીનો પહેલો જ દિવસ હતો. તે બપોરે 1 વાગ્યે નોકરીએ ગયો હતો.
તેમણે જણાવ્યું કે, ‘આગની ઘટના વિશે મને સાંજે 7 વાગ્યે માહિતી મળી હતી, જેથી હું તાત્કાલિક ગેમ ઝોન ખાતે પહોંચ્યો. પરંતુ મારા ભાઈનો કોઈ સંપર્ક ન થઈ શક્યો. તેનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો હતો. જેથી ગેમઝોનના સ્થળેથી હું સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, ત્યાં DNA ટેસ્ટ સહિતની માહિતી મેળવવામાં આવી છે પરંતુ હજુ સુધી ભાઈનો કોઈ પત્તો લાગ્યો નથી અને તેનો ફોન બંધ છે. હજુ પણ મને આશા છે કે મારો ભાઈ સહીસલામત મળી આવશે