ગુજરાતના સરકારી શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમયની રાહનો અંત આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે. ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા પરીક્ષા (TET-ટેટ)ના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમોના આધારે જ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ શૈક્ષણિક ગુણાંકના આધારે આખરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે.
આ ભરતીમાં ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યાઓ અનામત રાખીને પ્રક્રિયા જાહેર કરવામાં આવતા, લાંબા સમયથી રોજગારીની આશા રાખીને બેઠેલા બેરોજગાર યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે એકસાથે આટલી મોટી સંખ્યામાં ભરતી બહાર પડતાં રાજ્યના લાખો લાયક ઉમેદવારો માટે આ એક સોનેરી તક સાબિત થશે.