ગુજરાતમાં વધુ એક લોકગાયિકાના લવમેરેજનો વિવાદ સર્જાયો છે. લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા હોવાની તેના ભાઈ દ્વારા પોસ્ટ કરી સમાજના આગેવાનો પાસે મદદ માગતા વિવાદ સર્જાયો છે. ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પોતાના લગ્નના હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે.જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને શેરથા ગામ પહોંચ્યા હતા. જેના પગલે કાજલના પતિએ 112 માં ફોન કરીને મદદ માંગતા અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સમાજના લોકોએ અડાલજ પોલીસ સ્ટેશન જઈ કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ વખતે કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ આવતીકાલે પોલીસને મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો પોલીસ મથકેથી રવાના થઈ ગયા હતા.આ અંગે અડાલજ પોલીસ મથકના પી.આઇ. એસ. જી. દેસાઈએ કહ્યું કે, કાજલ મહેરિયાના પરિવારજનો અહીં આવ્યા હતા. પરિવારની રજૂઆત હતી કે, કાજલે મેરેજ કર્યા છેકે નહીં? એણે જાણ કરી નથી એટલે અમે પૂછવા અહીં આવ્યા છીએ. જેથી કાજલે મેરેજ સર્ટિ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે હાલના તબક્કે બીજી કોઈ અરજી કે ફરિયાદ પણ નથી.
રાધનપુરના સિનાડ ગામની વતની અને ‘કોયલ કંઠી’ ગાયિકા તરીકે જાણીતી કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. ત્યારબાદ બે સમાજ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. કિંજલ રબારી દ્વારા શરૂઆતમાં તો વીડિયો બનાવી પોલીસ પાસે મદદ માગી હતી. જો કે, વિવાદ વધુ વકર્યા બાદ બંને સમાજના આગેવાનોએ બેઠક કરી મામલો શાંત પાડ્યો હતો અને અંતે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી.
સુરતમાં રહેતી પાટીદાર યુવતી અને ગાયિકા આરતી સાંગાણીએ તેમની સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતાં આરતીનાં પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. પિતાએ રડતાં રડતાં દીકરી આરતીને પરત આવી જવા અપીલ કરી હતી.પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ કરાતાં આરતી સાંગાણીએ વીડિયોના માધ્યમથી જવાબ આપ્યો હતો. અલગ અલગ ત્રણ વીડિયો મૂકીને જણાવ્યું હતું કે મારે કંઈ જ બોલવું નથી, પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી-નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વીડિયો વાઇરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમે લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી, એ દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું? મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે. મારા જીવન માટે.આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું હોય એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે, પણ આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને તેની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે.