ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપ્યો છે. માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકશે. સાથે જ માર્ચ 2024ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ પણ જેટલા વિષયની પૂરક પરીક્ષા આપવી હોય તે આપી શકશે. વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓ રીપીટર વિષયોનીજ પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ 12 સાયન્સમાં પ્રેક્ટીકલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પ્રેક્ટીકલની પૂરક પરીક્ષા આપી શકશે. પ્રથમ વાર શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષામાં 1 વિષયનો વધારો કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વર્ષે 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આગામી જૂન માસના અંતમાં પૂરક પરીક્ષા યોજવા શિક્ષણ બોર્ડ આયોજન કરી રહ્યું છે.