Gujarat Board Exam : રાજ્યમાં 27 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) પરીક્ષા શરુ થઈ છે. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે આજે લેવાયેલા ધોરણ 10માં ગણિતનું પેપર સરળ નીકળતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને હાશકારો થયો હતો. પરીક્ષા પહેલા અનેક વિદ્યાર્થીઓ ગણિત વિષયના પેપરને લઈને ચિંતામાં હતા. જો કે, પરીક્ષાર્થીઓએ ધાર્યા કરતાં પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ આનંદમાં જોવા મળ્યા હતા.
ગણિતનું પેપર સરળ નીકળ્યું તો વિદ્યાર્થીઓને હાશકારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે શનિવારે ધોરણ 10માં ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું. ગણિતના પેપરને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા સતાવતી હતી કે, પેપર કેવું પૂછાશે, ક્યા દાખલા આવશે વગેરે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ ગણિતનું પેપર આપીને બહાર આવ્યા તો તેમના ચહેરા પર ખુશીની લહેર છવાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમને ધાર્યા બહાર પેપર સરળ નીકળ્યું હતું. જ્યારે પેપર સરળ નીકળતાં વિદ્યાર્થી સહિત વાલીઓમાં પણ આનંદ છવાયો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ના વિદ્યાર્થીઓની 27 ફેબ્રુઆરી 2025થી પરીક્ષા શરુ થઈ હતી. આ પરીક્ષા 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી, પરંતુ હોળી-ધુળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડના ટાઇમટેબલ પ્રમાણે સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે લેવાની હતી તે હવે 15 માર્ચે લેવામાં આવશે. તેમજ 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રાકૃત સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. એટલે 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે.