Operation Sindoor Debate In Loksabha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, કે ‘ઓપરેશન મહાદેવ હેઠળ સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સુલેમાન A શ્રેણી લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. હું સમગ્ર દેશને જણાવવા માંગુ છું કે પહલગામ હુમલામાં આપણાં નાગરિકોને જેમણે માર્યા તે ત્રણેય આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે.’
આ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેમની પાસેથી ત્રણ રાઈફલ્સ જપ્ત કરવામાં આવી હતી. જેમાં એક એમ-9 અને બે એકે-47 હતી. આ ત્રણેય રાઈફલ્સની કારતૂસની ખાતરી કરવામાં આવી છે. છ વૈજ્ઞાનિકોની ટીમે ખાતરી કરી છે કે, આ રાઈફલ્સમાં તે જ કારતૂસ સામેલ છે, જે પહલગામ આતંકવાદી હુમલામાં વપરાઈ હતી.શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ એ ગ્રેડ આતંકવાદી હતાં. તેમને ઠાર કરી સેનાએ પહલગામ આતંકી હુમલાનો બદલો લીધો હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ઓપરેશન મહાદેવની શરૂઆત 22 એપ્રિલ, 2025ના રોજ થઈ હતી. જે દિવસે પહલગામ આતંકી હુમલો થયો હતો, તે રાત્રે હાઈલેવલની સુરક્ષા બેઠક યોજાઈ હતી. તમામ સુરક્ષાદળોએ સાથે મળી ઓપરેશન મહાદેવ પર કામગીરી શરૂ કરી હતી.