અમદાવાદ: ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કારમાં આવેલા શખ્સોએ લાકડી અને તલવારથી ભાજપ નેતા વિજય સુવાળા પર હુમલો કરતા સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. માહિતી તો એવી પણ મળી રહી છે કે વિજય સુવાળા પર હુમલા પહેલા ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ વિજય સુવાળાની કારને આંતરીને કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.
વિજય સુવાળાએ પોલીસને ફોન કરીને મદદ માંગી
આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના ઝુંડાલની પાસે આવેલા અગોરા મોલ જોડે ગુજરાતના જાણીતા ગાયક વિજય સુવાળાની કારને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઘેરવામાં આવી હતી. ત્યારબાદ તલવાર-લાકડીઓ લઈને વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો છે. અચાનક આ ઘટના બનતા વિજય સુવાળાએ પોલીસને ફોન કરીને મદદ માંગી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે પ્રોગ્રામ કરવાના મુદ્દે વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
ઘટના બાદ વિજય સુવાડા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ અડાલજ પોલીસ સ્ટેશનમાં આ હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.