ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આજે (11 ઓક્ટોબર) સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીમાં કુલ 2,59,780 મતદારો (1,32,457 પુરુષ અને 1,27,314 મહિલા)નો સમાવેશ થાય છે , જેઓ ચૂંટણી મેદાનમાં ઉતરેલા 130 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.
બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળામાં મતદાન પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધી છે, જેમાં કુલ મળીને સરેરાશ 31.90 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આજે સવારના સમયે મતદારોમાં ઉત્સાહ મર્યાદિત જોવા મળ્યો હતો, જેમાં પુરુષ મતદારોની મતદાન ટકાવારી 35.47 ટકા રહી છે, જ્યારે મહિલા મતદારોની ટકાવારી 28.19 ટકા નોંધાઈ છે.
વિગતવાર આંકડાઓ પર નજર કરીએ તો, વોર્ડ નંબર 4માં સૌથી વધુ 42.20 ટકા મતદાન નોંધાયું છે, જ્યાં 10,963 પુરુષ અને 10,193 મહિલા મતદારોમાંથી કુલ 8,927 મતદારોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત, વોર્ડ નંબર 1માં પણ 44.16 ટકા સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ વોર્ડ નંબર 10માં સૌથી ઓછું 26.26 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 09માં 26.90 ટકા મતદાન થયું છે. અન્ય વોર્ડની વાત કરીએ તો વોર્ડ 2માં 37.35 ટકા, વોર્ડ 3માં 35.03 ટકા, વોર્ડ 5માં 28.92 ટકા, વોર્ડ 6માં 31.81 ટકા, વોર્ડ 7માં 38.22 ટકા, વોર્ડ 8માં 30.63 ટકા અને વોર્ડ 11માં 33.74 ટકા મતદાન નોંધાયું છે.
બપોરના 1 વાગ્યા સુધીના આ આંકડાઓ જોતાં આગામી કલાકોમાં મતદાનની ગતિ વધે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
શાંતિપૂર્ણ રીતે ચાલતા મતદાન વચ્ચે વાવોલ કુબેનગરની એમ. બી. પટેલ સ્કૂલ બહાર ભાજપ પક્ષની છત્રીઓ મૂકવા બાબતે માહોલ ગરમાયો હતો. વોર્ડ 7 કુબેરનગર મતદાન મથકની બહાર ભાજપ અને કોંગ્રેસ સામેસામે આવી જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસનો કાફલો દોડતો થયો હતો. ભાજપ પક્ષની છત્રીઓ મુકી આચાર સહિતાનો ભંગ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 6માં 168 નંબરના બૂથમાં ઇવીએમ મશીનની ડિસ્પ્લે બંધ થઈ અડધી કલાકથી મતદાન અટક્યું.