Rajkot Fire Tragedy : શનિવારે સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. આજે સવારથી ધીરે ધીરે DNA ના રિપોર્ટ આવી રહ્યાં છે. જેમ જેમ DNA રિપોર્ટ આવે છે, તેમ મૃતદેહની ઓળખવિધિ કરીને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે ઉપલેટા અને ગોંડલના બે વ્યક્તિની ઓળખ બાદ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તો હજુ સિવિલ હોસ્પિટલ પર અનેક પરિવારો રિપોર્ટની રાહમાં છે. એ 28 લોકો, જેઓ મોતેને ભેટ્યા છે, તેમના પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છે. હવે તેમણે તેમના સ્વજનો પરત આવે તેવી કોઈ આશા લાગતી નથી. પરંતુ હવે ધીરે ધીરે કફનમાં લિપટાયેલા મૃતદેહો તેમના ઘરે આવી રહ્યાં છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા બની રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનોને પોતાના સ્વજનો માટે પણ DNA મેચ કરાવવાની જરૂર પડી હતી, એટલી ક્ષતવિક્ષત હાલત મૃતદેહની થઈ ગઈ હતી. ઘટના બાદથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતું હાથમાં આવ્યા મૃતદેહો. જેમના પરિવારોને મૃતદેહો સોંપાયા છે, તે તમામ લોકોની આંખો ભીની હતી, પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કોઈનો જીગરનો ટુકરો, કોઈના વ્હાલસોયા… ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળીને પરત ફર્યાં છે.
ગોંડલના સત્યપાલસિંહ જાડેજાડાના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં હવે મૃતકોના DNA સેમ્પલના રિપોર્ટ આવી રહ્યાં છે. હાલના અપટેડ અનુસાર, ત્રણ લોકોના DNA સેમ્પલ મેચ થયા છે. સત્યપાલસિંહ જાડેજા, સુનિલ હસમુખલાલ સિદ્ધપુરા, જિજ્ઞેશ કાળુભાઈ ગઢવીના DNA સેમ્પલ મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ખરેડાના DNA મેચ થતા વહેલી સવારે પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભારે હૈયે સત્યપાલસિંહને વિદાય અપાઈ હતી. જાડેજા પરિવારના નાના દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
કર્મચારી સુનિલભાઈના અંતિમ સંસ્કાર કરાયા
આજે DNA રિપોર્ટ બાદ પ્રથમ ઓળખ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલાભાઈની થઈ હતી. ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિધપુરાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સુનિલભાઈ પરિવારનું એકમાત્ર આધારસ્તંભ હતા. હજી 15 દિવસ પહેલા જ તેઓ ગેમઝોનમાં નોકરીએ લાગ્યા હતા. સુનિલભાઈ પોતે અન્ય લોકો બચવા કામગીરી માટે અંદર રહ્યા અને પોતે મોતને ભેટ્યા હતા. તેમના નિધનથી પરિવારમાં શોક લાગણી ફેલાઈ છે. મહત્વનું છે કે, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અને તેમાં 28 જિંદગીઓ હોમાયાની ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધી છે. આ ઘટનાના અત્યંત ગંભીર ગણાવી કોર્ટે રવિવારે પણ સુનાવણી કરી હતી અને આજે ફરી આ કેસની સુનાવણી થઈ રહી છે. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ. દેસાઈની ખંડપીઠ સુનાવણી કરી રહ્યા છે. જે દરમિયાન તેમણે આ અગ્નિકાંડને માનવસર્જિત ઘટના ગણાવી અને અક્ષમ્ય કહ્યું. સાથે જ આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટે રાજ્યના અન્ય ગેમિંગ ઝોનને પણ જાહેર સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા છે.