Kulloo Landslides: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની દુર્ઘટના બનતાં સાતથી આઠ લોકો ભોગ બન્યા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયા છે. માહિતી મળતાં જ NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
બચાવ કામગીરીમાં એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની ઓળખ કંગન શ્રીનગર, મહારાજના રહેવાસી તરીકે થઈ છે. જ્યારે ત્રણ ઘાયલોને બચાવીને પ્રાદેશિક હોસ્પિટલ કુલ્લુ મોકલવામાં આવ્યા છે. કુલ્લુ સદર ધારાસભ્ય સુંદર સિંહ ઠાકુર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અન્ય લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
ઘર ધરાશાયી થતાં લોકો દટાયા
આ ભુસ્ખલનમાં ઘર ધરાશાયી થતાં ઘરમાં છ લોકો દટાયા હોવાની આશંકા છે. હજુ આ આંકડો વધી શકે છે. આ ઈમારતમાં સાથે રહેતાં અબ્દુલે જણાવ્યું હતું કે ત્રણ રૂમમાં સાત લોકો રહેતા હતા. એક વ્યક્તિએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો. એકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે પાંચ લોકો હજુ પણ દટાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. આ બધા લોકો જમ્મુ-કાશ્મીરના હોવાનું કહેવાય છે