કાળીચૌદશની રાત્રિ બની કાળરાત્રિ, ત્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત

By: Nation Gujarat Team
20 Oct, 2025

રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના આંબેડકરનગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કાળી ચૌદશની મધ્યરાત્રિના વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉ.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉ.વ.40)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.

તો સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

મોડી રાત્રે જૂથ અથડામણ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે સગાભાઈના મોત થયા છે.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બે સગાભાઈના મોત સામેના જૂથના લોકોએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉ.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉ.વ.40)ના મોત નિપજ્યા હતા. જયારે અન્ય લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

‘વાહન અથડાતા સામે જોઇને ચલાવવા કહ્યું હતું’ મૃતક બન્ને ભાઈના પિતા વશરામભાઇએ જણાવ્યું હતું કે, મારા બન્ને દીકરા મજૂરી કામ કરતા હતા. જેઓ મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન 10:30થી 11:00 વાગ્યા આસપાસ તેમનું વાહન અથડાયું હશે. જેથી તેમને સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થતા સામેવાળા લોકોએ મારા બન્ને દીકરા એના દીકરા તેમજ મારી પુત્રવધૂ ઉપર છરીઓ ઉગામી છે. જેમાં આજે મારા બન્ને દીકરાના મોત થઇ ગયા છે. અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ છે તે દૂર કરવામાં આવે એવી અમારી માગ છે. લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લૂખ્ખાગીરી કરતા હોય છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા બનાવની જાણ થતા DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત માલવિયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને સમગ્ર ઘટનામાં બે સગા ભાઈઓના મોત થતા માલવિયા નગર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તપાસ તજવીજ હાથ ધરી છે.

જૂથ અથડામણમાં 3 લોકોના મોત આ અંગે ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં એક જૂથ અથડામણ થઈ હતી. તેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જેમાં મૃતકના નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ, સામે પક્ષે સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર છે જે બે સગાભાઈ છે.

જૂથ અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત વધુમાં જણાવ્યું કે સામાન્ય અકસ્માતમાં આ બોલાચાલી થઈ હતી. તેમજ છરી, બેટ, ધારિયા, ધોકા વડે ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા પહોંચી છે.


Related Posts

Load more