એર ઈન્ડિયા એક્સપ્રેસનું મોટું એક્શન:એક ઝાટકે જ 25 ક્રૂ-મેમ્બર્સને નોકરીમાંથી હાંકી કાઢ્યા

By: nationgujarat
09 May, 2024

ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે 25 ક્રૂ મેમ્બર્સને કાઢી મૂક્યા છે. 7મી મેની રાત્રે નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ અચાનક એકસાથે રજા પર ઊતરી ગયા હતા. જેના કારણે એરલાઈને વધુ 90 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.

ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે અચાનક રજા પર ગયેલા 200થી વધુ ક્રૂ મેમ્બરમાંથી 25ને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એરલાઈને બાકીના કર્મચારીઓને કહ્યું કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરો. જો કામ પર પાછા નહીં ફરો તો બધાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

એરલાઈનના CEO આલોક સિંહે કહ્યું કે આજે અને આવનારા દિવસોમાં ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી શકે છે. કંપની તેની ફ્લાઈટમાં પણ ઘટાડો કરશે.

200 સિનિયર ક્રૂ મેમ્બર્સ એકસાથે રજા પર ઊતરી ગયા હતા, કહ્યું- બીમાર છે મંગળવારે અચાનક એર ઈન્ડિયા એક્સપ્રેસના 200થી વધુ સિનિયર ક્રૂ મેમ્બર એકસાથે રજા પર ઊતરી ગયા હતા. જેના કારણે કંપનીએ મંગળવારની રાત અને બુધવારે તેની 90થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. તેમણે બીમારીનું કારણ જણાવી રજા લીધી છે.

એકસાથે રજા રાખવાનું કારણ… ગેરવહીવટ

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કેબિન ક્રૂ મેમ્બર્સ ગેરવહીવટ સામે વિરોધ કરી રહ્યા છે. બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મામલે એરલાઈન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉડ્ડયન મંત્રાલયે એરલાઈનને આ મામલાને ઝડપથી ઉકેલવા જણાવ્યું છે.

લેબર કમિશનરે કહ્યું- ફરિયાદ સાચી છે, HR વિભાગે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યા
એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચેનો વિવાદ વધ્યો તેના લગભગ એક અઠવાડિયા પહેલાં, પ્રાદેશિક શ્રમ કમિશનરે એરલાઈનને પત્ર લખ્યો હતો – જણાવ્યું હતું કે ફરિયાદો સાચી છે અને HR વિભાગે સમાધાન અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

એરલાઇનસે કહ્યું- મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે
ફ્લાઈટ કેન્સલ થયા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું કે અમારા કેબિન ક્રૂએ મંગળવારે રાત્રે અચાનક બીમાર પડવાની જાણ કરી હતી, જેના પછી કેટલીક ફ્લાઈટ્સ મોડી થઈ છે અને કેટલીક કેન્સલ કરવામાં આવી છે. અમે ક્રૂ સાથે વાત કરી રહ્યા છીએ જેથી મુસાફરોને પડતી અસુવિધા ઘટાડી શકાય.

એરલાઈને જણાવ્યું હતું કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અસરગ્રસ્ત મુસાફરોને એરલાઈન તરફથી સંપૂર્ણ રિફંડ મળશે અથવા તેઓ કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ફ્લાઈટ રી-શિડ્યૂલ કરી શકશે. વધુમાં, પ્રવક્તાએ બુધવારે એરલાઇન સાથે ઊડતા મુસાફરોને સલાહ આપી હતી કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલાં એરલાઇનનો સંપર્ક કરે જેથી તેઓ તેમની ફ્લાઇટની કન્ફર્મ કરી શકે.

મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે વિવાદ કેમ વધ્યો?

  • ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, કેટલાક કેબિન ક્રૂ મેમ્બર્સ સ્ટાફ સાથે ગેરવહીવટ અને ભેદભાવપૂર્ણ વર્તનનો વિરોધ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AIX કનેક્ટ સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસના મર્જરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કેબિન ક્રૂમાં અસંતોષ વધી રહ્યો છે.
  • ડિસેમ્બર 2022માં, એરએશિયા ઇન્ડિયાના સમગ્ર શેર ટાટા સન્સ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ, એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ થતાં પહેલાં એરલાઈનનું નામ બદલીને AIX કનેક્ટ રાખવામાં આવ્યું. એરએશિયા ઇન્ડિયા બ્રાન્ડ 31 ઓક્ટોબર 2023ના રોજ બંધ થઈ હતી અને એરલાઇન હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
  • તેના એરલાઇન બિઝનેસને મજબૂત કરવા માટે, ટાટા ગ્રૂપ એર ઇન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ તેમજ વિસ્તારાને એર ઇન્ડિયા સાથે મર્જ કરી રહ્યું છે.
  • વેતન સમાનતા લાવવું અને વિવિધ સંસ્થાકીય સંસ્કૃતિના કર્મચારીઓને જોડવા એ કંપની માટે સૌથી મોટો પડકાર છે.

Related Posts

Load more