એક જમાનામાં અડધી દુનિયા પર રાજ કરનારા અંગ્રેજોનો દેશ આજકાલ ઉંદરોથી પરેશાન છે.
આમ તો યુરોપના દેશો ચોખ્ખાઈ માટે જાણીતા છે પણ બ્રિટનમાં ઉંદરોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે સાફ સફાઈ પર સવાલો ઉઠ્યા છે. કારણકે સામાન્ય રીતે ગંદકી હોય ત્યાં ઉંદરોની સંખ્યા વધતી જતી હોય છે.
એક અંદાજ પ્રમાણે બ્રિટનમાં ઉંદરોની સંખ્યા વધીને 25 કરોડ થઈ ગઈ છે અને તેના કારણે લોકો ચિંતામાં છે. બ્રિટનમાં ઉંદરોની વધી રહેલી સંખ્યાનુ એક કારણ કચરાપેટીઓમાંથી કચરાના નિકાલમાં થઈ રહેલો વિલંબ પણ છે. હવે ઉંદરો ઘરોમાં ઘૂસી રહ્યા છે અને લોકો પેસ્ટ કંટ્રોલ કરતી કંપનીઓ પાસે મદદ માંગી રહ્યા છે. મદદ માંગવાના કોલમાં છેલ્લા ત્રણ મહિનામાં 115 ગણો વધારો થયો છે. હાલમાં ચાલી રહેલી ઠંડીની સીઝનના કારણે ઉંદરો લોકોના ઘરોમાં ઘુસીને ઉત્પાત મચાવી રહ્યા છે.
બ્રિટિશ અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, ઉંદરોની સંખ્યા વધવાના કારણે તેની સાથે સંકળાયેલી ચેપી બીમારીઓનો ખતરો પણ સર્જાઈ શકે છે. જોકે શિયાળામાં ઉંદરોની સંખ્યા વધવી તે સામાન્ય બાબત છે.કારણકે શિયાળામાં ઉંદરો ગરમ જગ્યાઓ આશ્રય સ્થાન તરીકે શોધતા હોય છે. બીજી તરફ ડસ્ટબીનોમાંથી કચરો એકત્રિત કરવાની કામગીરીમાં વિલંબ પણ ઉંદરોનો ત્રાસ વધવા માટે જવાબદાર હોઈ શકે છે.