સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લ્હાય અને કાયદાનો ડર ન હોવાના પરિણામે સુરતના રસ્તા પર વધુ એક નશાખોરનો આતંક જોવા મળ્યો હતો. જૂનાગઢના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સુરતમાં નશાની હાલતમાં લકઝરી કાર હંકારી અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે. હજારો ફોલોવર્સ ધરાવતા આ યુવકની ‘રીલ લાઈફ’ હવે તેની ‘રીયલ લાઈફ’ માટે મુસીબત બની ગઈ છે.
જુનાગઢનો ઈન્ફ્લુએન્સર હિરેન બુહા દર મહિને બે વખત રીલ બનાવવા માટે સુરત આવતો હતો. 22મી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વીડિયો બનાવવા આવ્યો હતો. આ પહેલાં તે સવારે મિત્ર સાથે કારમાં દમણ ગયો હતો, જ્યાં તેણે રીલ બનાવી હતી. દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ હિરેન બુહાએ મોટા વરાછામાં રીલ બનાવી હતી. જે બાદ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો.
મોટાભાગના વીડિયો દારૂ પીવાને લગતા અથવા દારૂ સાથેની કોમેડીના હિરેન પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. 7 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા આ ઈન્ફ્લુએન્સરના મોટાભાગના વીડિયો દારૂ પીવાને લગતા અથવા દારૂ સાથેની કોમેડીના છે. તે સતત દારૂને ગ્લોરીફાય કરતી રીલ્સ બનાવીને કમાણી કરતો હતો. જે વીડિયો તે મનોરંજન માટે બનાવતો હતો, તે જ વ્યસને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો નોંધી હિરેનની ધરપકડ આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ દિગ્વિજય બારડે જણાવ્યું હતું કે, આરોપી હિરેન પટેલ મૂળ જૂનાગઢનો વતની છે અને સુરતમાં અવરજવર કરતો રહે છે. અકસ્માત સમયે તે દારૂના નશામાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા સ્ટાર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો આ કિસ્સો સોશિયલ મીડિયા પર જાણીતા બનતા યુવાનો માટે એક મોટો બોધપાઠ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિયતા મેળવવા માટે ઘણીવાર યુવાનો ખોટા રસ્તે વળે છે અથવા વ્યસનોને પ્રોત્સાહન આપે છે. હિરેન પટેલની ‘રીલ’ લાઈફમાં દારૂ પીને કોમેડી કરવી આજે તેની વાસ્તવિક જિંદગીમાં અંધકાર લઈ આવી છે. સુરત પોલીસે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે જેથી અન્ય કોઈ આવી બેદરકારી દાખવતા પહેલા સો વાર વિચારે.