ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. ઈઝરાયલની સેનાએ ગાઝામાં હમાસના લગભગ 250 ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ દરમિયાન તેઓએ હમાસના બેઝ, કમાન્ડ સેન્ટર, ટનલ અને રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા. ઈઝરાયલની સેનાએ કહ્યું કે નૌકાદળે ખાન યુનિસમાં મિસાઈલ પેડ પર હુમલો કર્યો. આ સાઇટ મસ્જિદ અને કિન્ડરગાર્ટનની ખૂબ નજીક આવેલી હતી.
આ દરમિયાન, ઈઝરાયલની સેનાએ કહ્યું કે તેઓ બુધવારે રાત્રે ટેન્ક સાથે ઉત્તર ગાઝામાં ઘુસ્યા હતા. તેઓએ હમાસનાં અનેક સ્થાનો અને રોકેટ લોન્ચ સ્થળોને નિશાન બનાવ્યાં. બીજી તરફ, જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઈઝરાયલ અમેરિકાની વાત માનીને થોડા સમય માટે ગ્રાઉન્ડ એટેક મોકૂફ રાખવા માટે તૈયાર થઈ ગયું છે.
આ દરમિયાન, બુધવારે પ્રથમ વખત ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂએ સ્વીકાર્યું હતું કે ઈઝરાયલ 7 ઓક્ટોબરે થયેલા હુમલાને રોકવામાં નિષ્ફળ ગયું હતું. નેતન્યાહુએ કહ્યું- 7 ઓક્ટોબરે કરાયેલા હમાસના હુમલાને ન અટકાવવા બાબતે ભવિષ્યમાં મારી સાથે બધાએ જવાબ આપવો પડશે.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને બુધવારે રાત્રે પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે પહેલા બંધકોને છોડાવવા પર સહમતી બની હતી. બંનેએ ગાઝામાંથી વિદેશી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે પણ ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બાઈડેને નેતન્યાહૂને યુદ્ધ વચ્ચે સ્થાયી શાંતિ માટે રસ્તા કાઢવા કહ્યું હતું.
ઈરાને કહ્યુ- હમાસ પર હુમલા માટે અમેરિકા જવાબદાર
બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ગાઝા પર ઈઝરાયલના હુમલા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું- ઇઝરાયલ હમાસ પર જે હુમલાઓ કરી રહ્યું છે તેની પાછળ અમેરિકાનો હાથ છે. ગાઝામાં થઈ રહેલા ગુનાઓનું ડાયરેક્શન અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાના હાથ બાળકો, મહિલાઓ અને અન્ય ઘણા લોકોના લોહીથી રંગાયેલા છે. અમેરિકા જ ગુનેગારોનું સાથી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હમાસના કબજા હેઠળના ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદન અનુસાર ગાઝામાં અત્યાર સુધીમાં 6546 લોકોના મોત થયા છે. જેમાં 2704 બાળકો અને 1584 મહિલાઓ છે. મંગળવારથી બુધવાર વચ્ચે 756 લોકોના મોત થયા છે.
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે – ગાઝામાં બધું ખતમ થઈ ગયું છે. અહીં 7 હજાર લોકો ગંભીર રીતે ઘાયલ છે. જો સમયસર દુનિયા તરફથી મદદ નહીં મળે તો આ લોકોનો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ બની જશે. દુઃખ સાથે કહેવું પડે છે, પણ દુનિયાના દેશો પોતાની જવાબદારી નિભાવી રહ્યા નથી એ વાત સાચી છે.