આયર્લેન્ડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર કર્યું આ કારનામું, 6 વર્ષની રાહનો આવ્યો અંત

By: nationgujarat
02 Mar, 2024

આયર્લેન્ડની ક્રિકેટ ટીમે આખરે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક મોટો માઈલસ્ટોન હાંસલ થયો છે. આયર્લેન્ડે ટેસ્ટ ફોર્મેટમાં સૌ પ્રથમ મેચ જીતી છે. 2018માં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમનાર આયર્લેન્ડે અફઘાનિસ્તાન સામેની શાનદાર મેચમાં 6 વિકેટથી જીત મેળવી હતી અને આ રીતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. મતલબ કે હવે ટેસ્ટ ક્રિકેટ રમી રહેલી તમામ 12 ટીમો જીત મેળવી ચૂકી છે.

આયર્લેન્ડે આઠમી ટેસ્ટમાં પહેલી જીત નોંધાવી

બંને ટીમો વચ્ચે આ ટેસ્ટ મેચ 28 ફેબ્રુઆરીથી અબુ ધાબીમાં શરૂ થઈ હતી. માત્ર 1 મેચની આ શ્રેણીમાં બંને તરફથી બોલરોનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આયર્લેન્ડના ઝડપી બોલર માર્ક અડેરે બંને દાવમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી અને 8 વિકેટ લીધી, જેના આધારે આયરિશ ટીમે તેમની પહેલી ટેસ્ટ જીતી ઈતિહાસ રચ્યો હતો.

પહેલી ચાર વિકેટ જલ્દી પડ્યા બાદ વધ્યો રોમાંચ

અફઘાનિસ્તાને પ્રથમ દાવમાં માત્ર 155 રન બનાવ્યા હતા, ત્યારબાદ આયર્લેન્ડે 263 રન બનાવ્યા હતા અને 108 રનની મહત્વની લીડ મેળવી હતી. શુક્રવારે મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનનો બીજો દાવ પણ માત્ર 218 રનમાં સમેટાઈ ગયો. આવી સ્થિતિમાં આયર્લેન્ડને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અહીંથી જ મેચમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજા દાવમાં આયર્લેન્ડે માત્ર 13 રનમાં 3 અને 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

કેપ્ટનની લડાયક બેટિંગ

4 વિકેટ બાદ અફઘાનિસ્તાન માટે જીતની આશા જાગી હતી, પરંતુ આઈરિશ કેપ્ટન એન્ડી બલબિર્ની (58) અને વિકેટકીપર લોર્કન ટકર (27)એ 72 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને કારકિર્દીની પ્રથમ જીત સુધી પહોંચાડી હતી. આ સાથે આયર્લેન્ડે 2018માં અફઘાનિસ્તાન સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો. આ બંને ટીમોને 2017માં એકસાથે ICC દ્વારા સંપૂર્ણ સભ્ય (ટેસ્ટ સ્ટેટસ) બનાવવામાં આવી હતી અને બંનેએ 2018માં ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

પહેલી ટેસ્ટ જીતવા 6 વર્ષ લાગ્યા

અફઘાનિસ્તાને તેની બીજી ટેસ્ટમાં આયર્લેન્ડને હરાવીને 2018માં તેની પ્રથમ જીત નોંધાવી હતી. આયર્લેન્ડને અહીં પહોંચવ લગભગ 6 વર્ષ લાગ્યાં. જો કે, આયર્લેન્ડને પ્રથમ ટેસ્ટ જીત ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમો કરતાં વહેલી મળી છે. ટીમ ઈન્ડિયાને લગભગ 20 વર્ષ બાદ 25મી ટેસ્ટમાં જીતી મળી હતી. જ્યારે ન્યુઝીલેન્ડે સૌથી વધુ 48 ટેસ્ટ મેચો બાદ પ્રથમ ટેસ્ટ જીત મળી હતી.


Related Posts

Load more