પરશોત્તમ રુપાલાની વાંધાજનક ટિપ્પણીના પગલે રાજ્યભરમાં વિરોધ વધારે વકર્યો છે. રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ આવ્યો છે. જેના પગલે આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’યોજાશે. મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો પણ જોડાશે. આજે અસ્મિતા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂતો ઉપસ્થિત રહેશે. તેમને અન્ય સમાજોને સંમેલનમાં જોડાવા આમંત્રણ અપાયું છે. રાજ્યભરમાંથી ક્ષત્રિયો સંમેલનમાં ઉમટે તેવી શક્યતા છે. આ અગાઉ ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ સંમેલન યોજાયા હતા.
રાજકોટમાં કોર કમિટીની બેઠકમાં રણનીતિ નક્કી કરાઈ હોવાનુ સામે આવ્યુ છે. જેમાં 16થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવામાં આવી છે. રાજકોટ બેઠક પર ક્ષત્રિયોના 400 ઉમેદવાર ઊભા રાખશે. જ્યારે આગામી સમયમાં રાજકોટમાં પણ ક્ષત્રિય સંમેલન યોજાશે. દરેક તાલુકામાં કમિટી રચાશે, ગામે-ગામ પહોંચીશું તેવુ ક્ષત્રિય સમાજના આગેવાનોએ કીધુ છે.
બીજી તરફ ગઈકાલે રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે મહારેલી યોજી, કેસરી સાફા ધારણ કરીને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા હતા. તો ક્ષત્રિય મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાઇ. રેલીમાં 300 થી 350 લોકોની હાજરી બાબતે મંજૂરી માગવામાં આવી હતી. તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથલે તે માટે પોલીસે મહેનત કરવી પડી અને બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ સાથે જ તકેદારીના ભાગરૂપે વોટર કેનન તેમજ વાહનો તૈનાત રાખવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદન આપીને રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે.