ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સહયોગી દળોની બેઠક બોલાવી છે. આમાં 38 પાર્ટીઓ ભાગ લેશે. આ સંખ્યા વિપક્ષની એકતા કરતા 12 વધુ છે.
બીજી તરફ, બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠકનો આજે બીજો દિવસ છે. આમાં 26 પાર્ટીઓ ભાગ લઈ રહી છે. એનડીએની બેઠકને વિપક્ષની એકતા સામે તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. એનડીએના 38 પક્ષોમાંથી 13 પક્ષો એવા છે જેમની પાસે લોકસભામાં એક પણ બેઠક નથી.
સોમવારે બેઠક વિશે માહિતી આપતાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ યુપીએ ગઠબંધનને ભાનુમતીનું કુળ ગણાવ્યું અને કહ્યું- તેમની પાસે કોઈ નેતા નથી, કોઈ ઈરાદો નથી, કોઈ નીતિ નથી અને નિર્ણય લેવાની શક્તિ નથી.
આ ભ્રષ્ટાચાર અને કૌભાંડોનું ટોળું છે.એનડીએની બેઠક સાંજે 5 વાગ્યાથી દિલ્હીની અશોકા હોટલમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે.
જૂના સાથી પક્ષોની વિદાય બાદ નવા પક્ષો જોડવાની કવાયત
છેલ્લા કેટલાક વર્ષોમાં એનડીએના જુના સહયોગીઓ અલગ થઈ ગયા છે. તેમાં કર્ણાટકમાં જનતા દળ (યુનાઇટેડ), મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો સમાવેશ થાય છે. જો કે, એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની આગેવાનીવાળી એનસીપી, ઉત્તર પ્રદેશમાં ઓપી રાજભરની સુભાસપા, બિહારમાં જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.