માડી તારા આવવાના એંધાણ થયા…, આજ થી જગત જનની મા જગદંબાની ભકિતના પાવનકારી અવસર નવલા નવલી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર સહિત ગોહિલવાડના શ્રધ્ધેય પ્રાચીન અને અર્વાચીન શકિતધામો અને માઈમંદિરોમાં માઈભકતોના મીની મેળાવડાઓ જામશે. આ સાથે ચોતરફ જય જય માતાજીના ગગનભેદી નારાઓ ગૂંજી ઉઠશે. ગોહિલવાડના ગામેગામ નવરાત્રિ પર્વ રંગે ચંગે ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. માઈભકતોમાં આસ્થાભેર ધર્મકાર્યોમાં જોડાવવા ઉત્સુકતા જોવા મળી રહેલ છે.
દિવંગત પિતૃઓનું તર્પણ કરવાના શ્રાધ્ધપક્ષનું ભાદરવા માસના અંતિમ દિવસ બુધવારે સર્વ પિતૃ અમાસ સાથે સમાપન થયા બાદ આવતીકાલ તા.૩ ઓકટોબરને ગુરૂવારથી શારદીય નવરાત્રિના પાવનકારી મહાપર્વનો મંગલમય પ્રારંભ થશે. આ સાથે માઈભકતો આદ્યશકિતની ભકિતમાં મગ્ન બની જશે. વર્ષ દરમિયાન શારદીય, ચૈત્રી, વાસંતિક અને ગુપ્ત એમ ચાર નવરાત્રિની ઉજવણી કરાય છે. જે પૈકી અતિ શુભદાયી ગણાતી શારદીય નવરાત્રિ મહોત્સવનો આવતીકાલ તા.૩થી મંગલમય પ્રારંભ થશે. શકિતની ભકિતના અનન્ય મહિમા ધરાવતા વર્ષના સૌથી વધુ લાંબા તહેવાર નવલાં નવરાત્રિ મહોત્સવની ચોમેર ભાવ અને ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. પ્રથમ નોરતે આવતીકાલ ગુરૂવારે સવારથી જ માઈમંદિરો અને મઢમાં મંગલ મુહૂતે શાસ્ત્રોકત રીતે સવારે ઘટ સ્થાપન કરાશે. આ પ્રસંગે માટીમાં અગીયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવશે. અને દશમાં દિવસે આ જવારાનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.