આજથી અમદાવાદમાં બે દિવસ રિક્ષાચાલકોની હડતાળ, CNGના ભાવ વધારા સામે વિરોધ

By: Nation Gujarat Team
05 Aug, 2026

અમદાવાદમાં આજથી એટલે કે 5 ઓગસ્ટથી રિક્ષાચાલકોની બે દિવસીય હડતાળ શરૂ થઈ છે. 5 અને 6 ઓગસ્ટ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા પ્રભાવિત રહેવાની શક્યતા છે. પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. યુનિયનનું કહેવું છે કે CNGના સતત વધી રહેલા ભાવને કારણે રિક્ષા ચલાવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે અને હાલના ભાડામાં રોજગાર ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.હડતાળ પાછળનું મુખ્ય કારણ CNGના ભાવમાં થયેલો વધારો છે. હાલમાં CNGનો ભાવ પ્રતિ કિલો ₹94.02 સુધી પહોંચી ગયો છે. યુનિયનના જણાવ્યા અનુસાર ઈંધણના ખર્ચમાં સતત વધારો થવાથી રિક્ષાચાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. વધતા ખર્ચ સામે હાલનું ભાડું પૂરતું ન હોવાથી રિક્ષાચાલકોને રોજિંદી આવક જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ કારણસર બે દિવસીય હડતાળ દ્વારા પોતાની માંગ સરકાર અને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એક્તા યુનિયને ભાડામાં સુધારો કરવાની સ્પષ્ટ માંગ

પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયને ભાડામાં સુધારો કરવાની સ્પષ્ટ માંગ કરી છે. યુનિયનનું કહેવું છે કે રિક્ષાનું મિનિમમ ભાડું ₹30 કરવામાં આવે અને પ્રતિ કિલોમીટર ₹20 ભાડું નક્કી કરવામાં આવે. યુનિયનના મતે હાલના દરો વધતા ઈંધણ ખર્ચ અને જાળવણીના ખર્ચને ધ્યાનમાં લેતા પૂરતા નથી. તેથી ભાડામાં વધારો કરવામાં આવે તો જ રિક્ષાચાલકોને આર્થિક રાહત મળી શકે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં મુસાફરોને જાહેર પરિવહન માટે વિકલ્પ શોધવાની જરૂર

આ બે દિવસીય હડતાળને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં મુસાફરોને જાહેર પરિવહન માટે વિકલ્પ શોધવાની જરૂર પડી શકે છે. ખાસ કરીને ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતા લોકો પર તેની અસર જોવા મળી શકે છે. શહેરમાં સામાન્ય દિવસોની સરખામણીએ રિક્ષાની ઉપલબ્ધતા ઓછી રહે તેવી શક્યતા હોવાથી મુસાફરોએ અગાઉથી આયોજન કરીને મુસાફરી કરવાની જરૂર રહેશે.


Related Posts

Load more