ઉમેદવારી ખેંચવા માટે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. એકવાર 22 એપ્રિલ નીકળી ગઈ તો રાજપૂત સમાજ કંઈ નહિ કરી શકે. ગુજરાતમાં હવે પણ રાજપૂત સમાજ હજી પણ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે અડગ છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત સરકારને અપાયેલા અલ્ટીમેટમનો દિવસ આવી ગયો છે. આજે 19 એપ્રિલે ક્ષત્રિય સમાજે સરકારને ચીમકી આપી હતી કે, જો રૂપાલાની ઉમેદવારી નહિ ખેંચાય તો મહા આંદોલન થશે. ત્યારે હવે આરપારની લડાઈ છે. જોકે, હાલ આંદોલનનો મુદ્દો ધીરે ધીરે શાંત પડ્યો હોય તેવુ લાગે છે. પરંતુ આજની બેઠક બાદ વધુ સળગે તો નવાઈ નહિ.
અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર કમિટની બેઠક
ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કરતા રૂપાલા સામેનો વિવાદ વધી વકરી રહ્યો છે. સરકાર સાથેની રાજપૂત સમાજની બેઠક નિષ્ફળ રહી છે. જોકે, ગૃહમંત્રી અમિત શાહે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે, રૂપાલાએ દિલથી માફી માંગી છે. ક્ષત્રિયો માફ કરી દેશે. જોકે, શાહે એમ પણ સંકેત આપ્યા કે, રાજકોટની ઉમેદવારીમાં કોઈ બદલાવ નહિ થાય. ત્યારે બીજી તરફ, આજે શુક્રવારે અમદાવાદમાં ક્ષત્રિય કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આંદોલનની રણનીતિ ઘડાશે.
ક્ષત્રિય સમાજ હજી પણ રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. ત્યારે આજે બપોરે 3 વાગ્યા સુધી રૂપાલા ફોર્મ પાછું ખેંચશે કે કેમ તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તેના આધારે ક્ષત્રિય સમાજ રણનીતિ નક્કી કરશે. એક તરફ ભાજપે રૂપાલાની ઉમેદવારી નહિ ખેંચાવાના મુદ્દે પૂર્ણવિરામ મૂકી દીધું છે. ત્યારે હવે ક્ષત્રિયો યુદ્ધ મેદાનમા તો બખૂલી લડ્યા, પણ હવે આ મુદ્દે કેવી લડત આપશે તે જોવું રહ્યું.
ક્ષત્રિય સમાજ હવે શું નિર્ણય લેશે?
અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે આજે 19 એપ્રિલે બેઠક યોજાવાની છે. જોકે, ચર્ચા એવી પણ છે કે, ભાજપની બી ટીમ કહેનારાને બેઠકમાં પ્રવેશ નહીં અપાય. રાજપૂત સમાજની 92 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે. સાંજે 4.30 વાગ્યાની આસપાસ આ મહત્વની બેઠક મળશે. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે. આમ, ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતા હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.
પદ્મિનીબા વાળાનો આરોપ
ક્ષત્રિય આંદોલનનો મુદ્દે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે સવાલો કર્યા છે. તેમણે ક્ષત્રિય સંકલન સમિતિમાં સમાવેશ કરવાની માંગ નથી પણ સાથે રાખવામાં આવે તેવી માંગ કરી છે. હવે પછીની બેઠકમાં આંદોલન શરૂ કરનાર ક્ષત્રાણીઓને પણ સાથે રાખવામાં આવે તેવી માંગ કરી છે. આ અગાઉ તેમણે કહ્યું હતુ કે, મારી નસો સુકાવા માંડી હતી એટલે મેં પારણા કર્યા, હું સમાજની સાથે છું અને રહીશ, આંદોલન સામાજિક રાખો રાજકીય ન લઈ જાઓ. સંકલન સમિતિ દ્વારા અમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. આ રાજકીય પ્રશ્ન નથી સામાજિક પ્રશ્ન છે. મારે સંકલન સમિતિ સાથે કોઈ લેવા દેવા નથી. પાર્ટ-2 કરશું તેમાં સંકલન સમિતિની સાથે, પરંતુ ભવિષ્યમાં હું મારી રીતે લડત કરીશ.