અમદાવાદમાં પૂર જેવી સ્થિતિ! 5 અંડરપાસ બંધ; ઘરોમાં પાણી ઘૂસ્યા, રસ્તાઓ બેટમાં ફેરવાયા, S.G હાઇ-વે પર 7થી 8 કિ.મી લાંબો ટ્રાફિક જામ

By: Nation Gujarat Team
23 Jul, 2026

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુરુવારે વહેલી સવારે 3.30 વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે સવારે 9 વાગ્યા પછી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર 1 કલાકમાં 2 ઈંચ જેટલો ખાબકેલો વરસાદ સમગ્ર શહેરને જળબંબાકાર કરી ગયો છે. અમદાવાદમાં વહેલી સવારે 3.30 વાગ્યાથી શરૂ થયેલા ધીમીધારના વરસાદ બાદ સવારે 9 વાગ્યા પછી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. પશ્ચિમ વિસ્તારના બોપલ, જોધપુર, સેટેલાઈટ, એસજી હાઈવે અને આંબાવાડીમાં માત્ર 1 કલાકમાં 2 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. એસજી હાઇ-વે ઉપર સાતથી આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. બ્રિજની ઉપર ટ્રાફિક જામથી રસ્તો બ્લોક થયો છે. બ્રિજની નીચેનો રોડ બેટમાં ફેરવાયો છે, જેના કારણે લોકો બ્રિજ પર જવાનું પસંદ કરી રહ્યા છે. બે કલાકથી લોકો ટ્રાફિક જામમાં અટવાયા છે.

અમદાવાદમાં પૂર જેવી સ્થિતિ: અંડરપાસ બંધ, ઘરોમાં પાણી ઘૂસ્યા
શહેરના બોપલ, જોધપુર, સેટેલાઈટ, એસ.જી. હાઈવે અને આંબાવાડી જેવા પોશ વિસ્તારોમાં મુસળધાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના કારણે વાહનચાલકોની વિઝિબિલિટી ઘટી જતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. બોપલમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સ્ટર્લિંગ સિટી સોસાયટી અને નીચાણવાળા વિસ્તારોના ઘરો તેમજ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. પીપળેશ્વર સોસાયટી બહારનો મુખ્ય રોડ પણ જળમગ્ન થઈ ગયો છે.

ઘરો અને દુકાનોમાં પાણી ભરાતાં રહીશો અને વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા અમદાવાદના તમામ મુખ્ય 5 અંડરપાસ બંધ કરી દેવાયા છે. જેમાં અખબારનગર, મીઠાખળી, શાહીબાગ, મકરબા અને પરિમલ અંડરપાસ નો સમાવેશ થાય છે. ડી કેબિન અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં તેને વાહનો માટે બંધ કરાયો છે. અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા શહેર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં તાંડવ: મુખ્યમંત્રી એક્શન મોડમાં
માત્ર અમદાવાદ જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે. વલસાડ, નવસારી અને દમણ-દાદરા નગર હવેલીમાં છેલ્લા ૨૪ કલાકમાં આકાશી આફત જેવો અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સર્જાયેલી વરસાદી સંકટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા અને રાહત-બચાવ કામગીરીનું સીધું મોનિટરિંગ કરવા માટે મુખ્યમંત્રી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રહ્યા છે.

વાવાઝોડા જેવા પવન સાથે ભારે વરસાદની આશંકા: સમગ્ર રાજ્યમાં એલર્ટ
હવામાન વિભાગની અગમચેતી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર અને સાબરકાંઠામાં અતિભારે તથા અમદાવાદ અને સુરતમાં ભારે વરસાદની ભીતિ સેવવામાં આવી છે. 25 અને 26 જુલાઈએ સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મુસળધાર વરસી શકે છે. તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.


Related Posts

Load more