Ahmedabad AMC and Vegetable Venders News : અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલી રતનબા કેનાલ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ટીમ અને સ્થાનિક લારી ધારકો વચ્ચે બબાલ થયાની ઘટના સામે આવી છે. AMCની ટીમ જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચી ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જેણે થોડી જ વારમાં ઘર્ષણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન AMCના દબાણ શાખાના કર્મચારી દ્વારા એક લારી ધારકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લારી ધારકોએ લગાવ્યો છે.
શાકભાજી રસ્તા પર ફેંકી દીધા
કર્મચારીના આ વર્તનથી રોષે ભરાયેલા લારી ધારકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે લારીમાં રહેલા શાકભાજી રસ્તા પર ફેંકી દીધા હતા અને તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા લારી ધારકોએ AMCના વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર અને નારાબાજી કરી હતી. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે લારી ધારકોએ પોલીસને બોલાવીને દબાણ શાખાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.