Heavy Rain In Ahmedabad: અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના ધંધુકા પંથક અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાનમાં આવેલા આ પલટાના કારણે સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઊંચડી પંથકમાં 1.5 ઇંચ વરસાદ, રસ્તાઓ ભરાયા
ધંધુકાના ઊંચડી પંથકમાં પ્રચંડ પવન સાથે ડિજીટલ આંકડા મુજબ આશરે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદનું જોર એટલું વધારે હતું કે જોતજોતામાં ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ચંદરવા, ઝાંઝરકા સહિતના ગામોમાં ધબધબાટી
માત્ર ઊંચડી જ નહીં, પરંતુ ધંધુકા તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી હતી. જેમાં ચંદરવા, ઊંચડી સાલાસર, બાજરડા, સરવાળ અને ઝાંઝરકાનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ખેતરોમાં ભરાયા પાણી
ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે અમુક નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં અગાઉ વરસાદી રાઉન્ડ આવી ચૂક્યો હોવાથી, આ નવો વરસાદ ખેતીના પાક માટે અમુક અંશે ફાયદાકારક તો અમુક જગ્યાએ ચિંતાનો વિષય બન્યો છે. જો કે, અસહ્ય બફારા બાદ પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.