અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 30 અનુભવી રાજદૂતોને તેમના પદ પરથી હટાવી દીધા છે અને તેમને પાછા બોલાવ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ વિશ્વભરમાં તૈનાત લગભગ 30 રાજદૂતોને પાછા બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું આ પગલું વિદેશ નીતિમાં મોટા પરિવર્તનની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે.
વિદેશથી પાછા બોલાવવામાં આવી રહેલા મોટાભાગના રાજદૂતોની નિમણૂક બાઇડન વહીવટ દરમિયાન કરવામાં આવી હતી અને તેઓ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન પ્રથમ રાઉન્ડના ફેરબદલથી બચી ગયા હતા. જોકે, ગયા અઠવાડિયે વ્હાઇટ હાઉસ તરફથી એક નોટિસમાં તેમના જલ્દી જ પાછા ફરવાનો સંકેત આપવામાં આવ્યો હતો. સ્ટેટ ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 29 દેશોમાં પોસ્ટ કરાયેલા મિશન ચીફ્સને ગયા અઠવાડિયે જાણ કરી દેવામાં આવી હતી કે તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ જશે. આ તમામને ગયા બુધવારથી વોશિંગ્ટન અધિકારીઓ તરફથી નોટિસ મળવાની શરૂ થઈ ગઈ હતી.
જણાવી દઈએ કે અમેરિકન રાજદૂતો રાષ્ટ્રપતિની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે, જોકે તેઓ સામાન્ય રીતે ત્રણથી ચાર વર્ષ માટે તેમના પદ પર કાર્યરત રહે છે. માહિતી પ્રમાણે, આ પગલું અમેરિકન કૂટનીતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડા સાથે ઢાળવા માટે લેવામાં આવ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ રાજદૂતોને બરતરફ નથી કરવામાં આવી રહ્યા, પરંતુ તેમને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે.
માહિતી પ્રમાણે, આ કોઈ સામાન્ય રાજદૂતો નથી. આ બધા અમેરિકી વહીવટના સક્ષમ અને અનુભવી રાજદૂતો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “કોઈપણ વહીવટમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે. રાજદૂત રાષ્ટ્રપતિના વ્યક્તિગત પ્રતિનિધિ હોય છે, અને એ રાષ્ટ્રપતિનો અધિકાર છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વિદેશમાં તૈનાત કરાયેલા પ્રતિનિધિઓ અમેરિકા ફર્સ્ટ એજન્ડાને આગળ ધપાવે.”
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની સૌથી વધુ આર આફ્રિકા પર પડી છે, જ્યાં નાઇજીરીયા, સેનેગલ, રવાન્ડા, યુગાન્ડા, સોમાલિયા અને મેડાગાસ્કર સહિત 13 દેશોમાંથી અમેરિકન રાજદૂતોને પાછા બોલાવવામાં આવ્યા છે. એશિયામાં ફિજી, લાઓસ, માર્શલ આઇલેન્ડ્સ, પાપુઆ ન્યુ ગિની, ફિલિપાઇન્સ અને વિયેતનામ સહિત છ દેશોમાંથી અમેરિકાએ તેના રાજદૂતોને પાછા બોલાવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ચાર યુરોપિયન દેશો – આર્મેનિયા, ઉત્તર મેસેડોનિયા, મોન્ટેનેગ્રો અને સ્લોવાકિયાના યુએસ રાજદૂતોને પણ પાછા ફરવા કહ્યું છે. આ સિવાય મિડલ ઇસ્ટમાં અલ્જિરિયા અને ઇજિપ્ત, સાઉથ અને મિડલ એશિયામાં નેપાળ અને શ્રીલંકા અને ગ્વાટેમાલા અને સુરીનામમાં તૈનાત અમેરિકન રાજદૂતો પણ પાછા ફરશે.