નેપાળ માં પરિસ્થિતિ પાછી વણસી : ભારતની સરહદે આવેલા નેપાળના બારા જિલ્લાના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ પાછી વણસી, Gen-Z યુવાનો અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થયા બાદ બુધવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે . બારા જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે, સિમરા એરપોર્ટના 500 મીટરના ત્રિજ્યામાં બપોરે 12:30થી રાત્રે 8 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. સેંકડો “Gen-Z” યુવાનો ત્યાં નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) અથવા સીપીએન-યુએમએલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુરુવારે પણ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા. વહેલી સવારેથી જ સિમરાના રસ્તાઓ પર લોકો એકઠા થવા લાગ્યા અને પોલીસ સાથે તેનું ઘર્ષણ શરૂ થઈ ગયું. આ ઘટના બાદ વહીવટીતંત્રે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બપોરે 1 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો હતો. સહાયક મુખ્ય જિલ્લા અધિકારી છવિરામ સુબેદીએ ન્યૂઝ એજન્સી ANIને ફોન પર જણાવ્યું કે, પોલીસ સાથેની અથડામણ પછી પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હતી, તેથી ફરીથી કર્ફ્યુ લાદવું પડ્યું.
શું છે આખો મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે બુદ્ધ એરનું એક વિમાન સીપીએન-યુએમએલના મહાસચિવ શંકર પોખરેલ અને પાર્ટીના યુવા નેતા મહેશ બસ્નેટને લઈને કાઠમંડુથી સિમરા માટે જવાની હતી. બન્ને નેતાઓ ત્યાં સરકાર વિરોધી રેલીને સંબોધિત કરવાના હતા.
સિમરામાં તેમના આગમનના સમાચાર ફેલાતાં જ Gen-Z પ્રદર્શનકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમનો વિરોધ શરૂ કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર સ્થાનિક CPN-UML કાર્યકરો સાથે તેમની અથડામણ થઈ. જોતજોતામાં મામલો ગંભીર બની ગયો. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ જવાબદારી સંભાળી અને બધાને ઘટનાસ્થળેથી દૂર કર્યા.
આ ઘટના બાદ બુદ્ધ એરલાઇન્સે કાઠમંડુથી સિમરા સુધીની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે, CPN-UML સમગ્ર નેપાળમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને 12 સપ્ટેમ્બરના રોજ ભંગ કરવામાં આવેલ પ્રતિનિધિ ગૃહની પુનઃસ્થાપનાની માંગણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઝેન-જી આંદોલન કારણે જ નેપાળમાં કેપી શર્મા ઓલીને સત્તા છોડવી પડી હતી.