મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ઇસ્ટ આફ્રિકામાં પધાર્યા છે. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો તથા અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જળવાતી રહે તે અર્થે તેઓ સંતમંડળ સાથે પધાર્યા છે.
ઇ.સ. ૧૯૪૮માં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આફ્રિકામાં પધારનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વપ્રથમ સંત હતા. તેમણે ઇસ્ટ આફ્રિકન દેશોના હરિભક્તોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરીને બળવાન બનાવ્યા હતા. તેઓ સાત વખત ઇસ્ટ આફ્રિકા પધાર્યા હતા. ત્યારબાદ અનુગામી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારાર્થે ઇસ્ટ આફ્રિકામાં ત્રીસ વખત વિચરણ કર્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સત્સંગ પ્રચાર અને પ્રસાર માટે તથા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકામાં સૌ પ્રથમ પાદાર્પણ કર્યું તેને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીને ૭૦ વર્ષ પૂર્ણ થાય છે તો આવા પાવન અવસરે “શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પાદાર્પણ અમૃત મહોત્સવ” તથા “શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી ૭૦ મો પાટોત્સવ”ની ઉજવણી નિમિત્તે તેઓશ્રીનું આ દ્વિતીય વિચરણ છે.
કેન્યાના પાટનગર નાઈરોબીમાં સ્થાનિક હરિભક્તોએ ભારે ઉલ્લાસ અને ઉમળકાભેર મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું સ્વાગત કર્યું હતું. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ-નૈરોબીએ પણ પરફોર્મન્સ કરીને ભક્તિ અદા કરી હતી.