ધારાસભ્ય અમિત ઠાકરની આંખ સામે જ અમદાવાદના બે મહિલા કોર્પોરેટરો ‘ખોવાયા’? પતિદેવો હાજર રહેતા વિવાદ

By: Nation Gujarat Team
03 Jun, 2026
અમદાવાદ: નારી સશક્તિકરણની ભારેભરખમ વાતો વચ્ચે ભાજપની અલગ જ તસવીર સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં 50 ટકા મહિલા અનામતના નિયમનો કેટલાંક વર્ષોથી અમલ કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે તાજેતરમાં યોજાયેલી AMCની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ પાલન કરવામાં આવ્યું છે. પરંતુ ચૂંટણી જીત્યા પછી અસલી ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ વોર્ડમાં ધારાસભ્ય અમિત ઠાકર બેઠકમાં નવનિયુક્ત મહિલા કોર્પોરેટરના બદલે ‘પતિદેવ’ હાજર રહેતા વિવાદ સર્જાયો છે.

અમિત ઠાકરની આંખ સામે જ ‘ભોપાળું’

સરખેજ વોર્ડની આ બેઠકમાં મહિલા કોર્પોરેટર જેઠીબેન છગન ડાંગરના પતિ અને મહિલા કોર્પોરેટર હેમાબેન ચિરાગ શાહના પતિ બેઠા હતા. સરખેજના ધારાસભ્ય અમિત ઠાકર બધું જ જાણતા હોવા છતાં અજાણ બનીને બેઠક ચલાવતા રહ્યા હતા.

મહિલા કોર્પોરેટરો ‘શોભાના ગાંઠિયા’ સમાન?

જે બાબત અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરો ‘શોભાના ગાંઠિયા’ સમાન હોય છે? મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિદેવો જ કામગીરી કરતા હોય છે તેવી માહિતી સામે આવી છે. આ પ્રકારે મહિલા કોર્પોરેટરોના બદલે રોજબરોજની કામગીરી અને વહીવટ સંભાળતા પતિદેવોને ‘ચોથિયા’ તરીકે ઓળખવામાં આવે છે.

કાગળ પર જ મહિલાઓના નામ?

શું AMCમાં 50 ટકા મહિલા અનામત માત્ર કાગળ પર છે? AMCની રોજબરોજની કામગીરી અને વહીવટમાં પતિદેવોનો જ સિક્કો ચાલતો હોવાની ચર્ચા પણ જાગી છે. સરખેજ ધારાસભ્યની હાજરીમાં જ ‘પ્રતિનિધિ પતિ પાવર’ બતાવી રહ્યા હોવા છતાં AMCના અધિકારીઓ અને નેતાઓએ મૌન ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે એ સાબિત કર્યું છે કે, મહિલાઓ માત્ર નામ અને સહી પૂરતી જ કોર્પોરેટર છે, જ્યારે અસલી સત્તા તેમના પતિઓ ભોગવી રહ્યા છે.

Related Posts

Load more