Ahmedabad News /અમદાવાદ : અમદાવાદમાં એક મહિલા પીએસઆઈ વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. એક પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ દ્વારા મહિલા પીએસઆઈ સામે મારપીટ અને ધમકીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સોનલ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાના પગલે ગ્રામ્ય એસપીએ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે. જુઓ શું છે સમગ્ર બનાવની હકીકત. શા માટે મહિલા પીએસઆઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા અને અંધજન મંડળ પાસે કેબિન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈની કેબિન પર આવેલા એક સગીરને ચોરીની શંકાએ ઠપકો આપી હાથ ખેંચ્યો હતો. જેથી સગીરના પિતા અને ગોપાલભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. સગીરના પિતાએ સમગ્ર મામલે ૧૧૨ મારફતે પોલીસને જાણ કરતા ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મહિલા પીએસઆઈ સોનલબેન રાઠોડ આવ્યા હતા અને સોનલબેન અને તેના પતિ દ્વારા ગોપાલભાઈ માર મારવામાં આવ્યો હતો. મારપીટના કારણે ગોપાલભાઈને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગોપાલભાઈ દ્વારા ઘટનાના બે દિવસ બાદ આજે પોલીસ મથક પહોંચી ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે પીએસઆઈ સોનલ રાઠોડ અને તેમના પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ પુરાવા તેમજ વીડિયો સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગ્રામ્ય એસપી દ્વારા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું બી ડિવિઝનના એસીપી એચ.એમ. કણસાગરાએ જણાવ્યું.
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ ગોપાલ ભાઈ દરજીને માર મારવા કેસમાં ચાંગોદર ના psi સોનલ રાઠોડ સહિત તેના પતિ સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી છે. આ વિશે એસીપી એચ.એમ કણસાગરાએ જણાવ્યું કે, દિવ્યાંગની દુકાન બહાર પડીકું તૂટવાનો અવાજ આવતા દિવ્યાંગે હાથ મારતા બાળકને વાગ્યો હતો. જે બાદ બાળકના પિતાએ આવીને બોલાચાલી કરી હતી. બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ દિવ્યાંગને લઈને પોલીસ સ્ટેશન આવી હતી. કોલ કરનાર પ્રતિકભાઈએ બાળકને જમાડી આવવાનું કહીને નીકળી ગયા હતા. દિવ્યાંગની માહિતી લેવામાં આવી રહી હતી. આ દરમિયાન PSI સોનલ રાઠોડ પોલીસ સ્ટેશનમાં આવીને દિવ્યાંગને પોલીસ સ્ટેશનમાં આવીને લાતો અને લાકડી મારી હતી. ત્યારે એક પોલીસકર્મીએ તેમને રોક્યા હતા. યુનિવર્સિટી પીઆઈએ પણ PSI સોનલ રાઠોડને રોક્યા હતા. જે બાદ દિવ્યાંગને પોલીસ તેમના પાર્લર પર પરત મૂકી આવી હતી. બનાવના દિવસે રાતે પોલીસ હોસ્પિટલ ગઈ હતી. ગઈકાલે પણ પોલીસ ભોગ બનનારના ઘરે ગઈ હતી. પરંતુ કાલે પણ તેઓએ ફરિયાદ આપી નહોતી. જે બાદ આજે ફરિયાદ આપી છે. PSI સોનલ રાઠોડ વિરુદ્ધ BNS ની રાઇટ ટુ પર્સન ડિસએબિલિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તપાસ કરીને પુરાવા ભેગા કરવામાં આવશે. તપાસમાં ગુજરાત યુનિવર્સિટીના પોલીસ કર્મચારીઓની પણ પૂછપરછ કરી નિવેદન લેવામાં આવશે. દિવ્યાંગને આ રીતે મારવા અયોગ્ય છે.