કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૯મી જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

By: Nation Gujarat Team
12 Oct, 2026

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૯મી પ્રાગટ્ય જયંતી મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ – હીરાપુર ખાતે તા. ૧૦ ઓક્ટોબર, શનિવારના રોજ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો.

આ મહોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ત્યારબાદ પુષ્પ, શર્કરા અને પુંગીફલથી તુલાવિધિ તથા પંચામૃતથી દિવ્ય મહા અભિષેક કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક રાસ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતોની પારાયણ યોજાઈ હતી.

પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી તથા સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને કથામૃતનું પાન કરાવ્યું હતું.

આ ઉપરાંત, સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા તૈયાર કરાયેલી “યુગપુરુષ શ્રી મુક્તજીવન સ્વામીબાપા” નામની દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી) દર્શાવવામાં આવી હતી.

જેને ભક્તોએ ભાવપૂર્વક નિહાળી હતી. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પધારેલા ભક્તોએ સત્સંગ અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પાવન અવસરે કુમકુમ મંદિરના પ્રેરક મોટિવેશન સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું હતું કે, “શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું જીવન એક જીવંત અને હરતી-ફરતી યુનિવર્સિટી સમાન હતું, જેમના આચરણમાંથી જ સમાજને ઉત્તમ સંદેશ પ્રાપ્ત થતો હતો.

જેમ સૂર્ય ક્યારેય રજા પાડ્યા વિના નિત્ય ઊગે છે, તેમ સ્વામીબાપા પણ નિયમ-ધર્મ અને ભક્તિમાં સૂર્ય સમાન અડગ હતા. સવારે ૩:૦૦ વાગ્યે ધ્યાન-ભજનથી માંડીને તમામ આરતીઓમાં તેમની નિયમિત હાજરી રહેતી. તેમનું જીવન એટલું સુવ્યવસ્થિત હતું કે તેમને જોઈને માણસ પોતાની ઘડિયાળનો કાંટો મેળવી શકે! આટલા સમર્થ સંત હોવા છતાં તેમણે ક્યારેય ધાર્મિક ક્રિયામાં આળસ કે રજા રાખી નહોતી. આપણે પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ ભક્તિમાં નિયમિત બની જીવનમાં ભગવાનને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ.”

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે આફ્રિકા, યુરોપ અને અમેરિકાની ધરતી પર સૌપ્રથમ પધારી દારૂ, માંસ અને વ્યભિચાર જેવા દૂષણોમાંથી મુક્ત કરી જનસમાજનું કલ્યાણ કર્યું હતું.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score