Ahmedabad News: તાજેતરમાં અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી અને જાહેર રજાઓ ઘોષિત કરવામાં આવી હતી. સતત રજાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં થયેલા વિક્ષેપ અને શૈક્ષણિક નુકસાનને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
રવિવારના દિવસોમાં સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે
આ પરિપત્ર મુજબ, શાળા સંચાલકો ચાલુ મહિના દરમિયાન આવતા રવિવારના દિવસોમાં સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વરસાદને કારણે અટકેલો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાનો અને વિદ્યાર્થીઓના શિક્ષણની થયેલી ક્ષતિની યોગ્ય ભરપાઈ કરવાનો છે.
રવિવારે સ્વૈચ્છિક રીતે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની છૂટ
સામાન્ય નિયમો અનુસાર જાહેર રજાના દિવસે શાળાઓ ચાલુ રાખી શકાતી નથી. પરંતુ, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાસ કિસ્સા તરીકે શાળાઓને રવિવારે સ્વૈચ્છિક રીતે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની છૂટ આપી છે.
વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે
જોકે, આ નિર્ણય સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. જે શાળાઓ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે રવિવારે વર્ગો યોજવા માંગતી હોય તે સંચાલકો આ સુવિધાનો ઉપયોગ કરી શકશે, જેથી આવનારી પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે.