તાપી જિલ્લામાં આજે ફરી નવો વિવાદ સામે આવ્યો. વ્યારાના સર્કિટ હાઉસમાં સ્થાનિક રેફરેલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ આદીવાસી આગેવાનો સાથે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની બેઠક યોજાઈ હતી. જેમાં આગેવાનો દ્વારા તેમને એક સવાલ કરવામાં આવતા જ તેઓ એકાએક ટેબલ પર હાથ પછાડીને ઉભા થઈ ગયા હતા અને ત્યાંથી ચાલતી પકડી હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
શું છે સમગ્ર મામલો
છેલ્લા 1 મહિનાથી તાપી જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે આવી છે. જેમાં જિલ્લાના 7 તાલુકા સહિત મહારાષ્ટ્રની સીમાના દર્દીઓ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવે છે. ત્યારે થોડા સમય પેહલાં જ ટોરેન્ટો ગ્રુપ સાથે સરકારે MOU કરીને પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું. જોકે, આદિવાસી સામાજના આગેવાનોએ આ બાબતે ઠેર-ઠેર રજૂઆત પણ કરી હોવા છતાં કોઈ નિકાલ નહીં આવતા આજરોજ વ્યારા ખાતે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સાથે સમગ્ર વિષય પર ચર્ચા કરવા વ્યારા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ હતી.
આદિવાસી આગેવાન લાલસિંહ ગામીતે મંત્રીને સવાલો પૂછ્યા હતા. શરૂઆતમાં બેઠકમાં ચર્ચા સામાન્ય રીતે ચાલી રહી હતી, પરંતુ એક વીડિયોમાં તેમણે નકસલી શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે બાબતે અમે ખુલાસો માંગ્યો હતો કે, ‘તમે અમારા માટે નક્સલી શબ્દ કેમ વાપર્યો?’ સાથે હોસ્પિટલના ખાનગીકરણના પ્રશ્નો પૂછતાં જ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિનો પારો ખસી ગયો હોય એમ ટેબલ પર જોરથી હાથ પછાડી ત્યાંથી નીકળી ગયા હતાં. જ્યારે સમગ્ર બેઠક દરમિયાન કોઈ નિરાકરણ નહીં આવતા આદિવાસી આગેવાનો લાલચોળ થઈ ગયા હતા.
આદિવાસી આગેવાન લાલસિંહ ગામીતે જણાવ્યું હતું કે, આજે અમારા ગુજરાત રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ એમની જે સરકારી સિવિલ હોસ્પિટલ ખાનગીકરણ થવા જઈ રહી છે. તે બાબતે અમે લોકો તેમને મળવા માટે આવ્યા હતા. એ પેહલા બીજી કોઈ મિંટિંગમાં તેઓએ ભાજપનાં કાર્યકર્તાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે લોકો આંદોલન કરે છે તેમને કચડી નાખવા ભાજપનાં કાર્યકર્તાઓ સક્ષમ છે. આ બાબતે અમે જ્યારે કુંવરજી હળપતિ અમારી સાથે આવ્યાં ત્યારે ખુલાસો માંગ્યો હતો કે, આ વીડિયોમાં મંત્રીએ વાત શું કરી છે એ કેહવા શું માંગે છે?. આ વાતનું તેમને ખોટુ લાગતા મંત્રી દાદાગીરી કરી ટેબલ ઠોકીને ભાગી ગયા હતા. અગાઉ ભરૂચમાં પણ પ્રધાન કુંવરજી હળપતિને સ્થાનિકોએ થોડા દિવસ પહેલા ઘેર્યા હતા.