EXPLAINER : કેમ અનાર પટેલની ખોડલધામમાં થઈ એન્ટ્રી? જાણી લો પડદા પાછળની વાત

By: Nation Gujarat Team
22 Jan, 2026

ગુજરાતનું રાજકારણ એક નવા જ વળાંકના મોડ પર આવ્યું છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગુજરાતના જાહેર જીવનમાં હલચલ મચી છે. નિમણૂક કોઈ મોટી ચાલ કે માત્ર સેવા?. જુઓ આ અહેવાલમાંખોડલધામ,  લેઉવા પાટીદાર સમાજનું ધાર્મિક કેન્દ્ર નહીં પણ ગુજરાતના રાજકારણનું એક પાવર સેન્ટર છે. આજ ખોડલધામે એવો નિર્ણય લીધો, જેને ગાંધીનગરથી લઈ દિલ્લી સુધી ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલને ખોડલધામની સંગઠન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દેખાવમાં તો આ એક સામાજિક નિમણૂક છે, પરંતુ રાજનીતિમાં દેખાવ ઘણી વખત સાચો હોતો નથી. અનાર પટેલને ખોડલધામની સંગઠન સમિતિના અધ્યક્ષ બનાવાયા છે.

ખોડલધામમાં જે બને તેની ગૂંજ ગુજરાતના રાજકારણમાં સંભળાય છે. સૌરાષ્ટ્ર, લેઉવા પાટીદારોનો ગઢ અને એ જ ગઢમાં ઉત્તર ગુજરાતના અનાર પટેલની એન્ટ્રી. સવાલ એ નથી કે અનાર પટેલ કોણ છે?, પરંતુ સવાલ એ છે કે અનારને આગળ લાવવા પાછળનું કારણ છે શું?

અનારને આગળ લાવવા પાછળનું કારણ છે શું?
રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે આ માત્ર સોશિયલ એક્ટિવિટી નથી, આ એક સોફ્ટ પૉલિટિકલ લોન્ચ છે. કેટલાક આને 2027ની વિધાનસભા ચૂંટણીની શરૂઆત ગણાવી રહ્યા છે કારણ કે રાજનીતિમાં એક વર્ષ પહેલાની એન્ટ્રી સામાન્ય રીતે આકસ્મિક હોતી નથી.

અત્યાર સુધી ખોડલધામની સંગઠન સત્તા નરેશ પટેલ પાસે હતી, હવે એ જવાબદારી અનાર પટેલને સોંપાઈ છે. આ બદલાવ માત્ર ચહેરાનો નથી, આ બદલાવ સંદેશનો પણ માની શકાય તેમ છે. પરંતુ રાજકારણ જાણકારો કહે છે કે, દરેક મોટું નેતૃત્વ સેવાથી જ શરૂ થાય છે.આજે અનાર પટેલ સક્રિય રાજકારણમાં નથી, પરંતુ ખોડલધામે તેમને એવું પ્લેટફોર્મ આપી દીધું છે, જ્યાંથી રાજકારણ ખુદ ચાલીને આવે છે. અનાર પટેલ, માત્ર સંગઠન અધ્યક્ષ કે 2027 માટેનો એક અસરકારક નિર્ણય?

અનાર પટેલ માત્ર સંગઠન અધ્યક્ષ કે 2027નો અસરકારક નિર્ણય?
ખોડલધામમાંથી શરૂ થયેલી આ હલચલ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરશે કે કેમ?, એ તો સમય બતાવશે, પરંતુ સંકેતો ઘણું બધી કહી જાય છે. સૌથી મોટી બાબત એ છે કે, નરેશ પટેલ કે જેઓ પડદા પાછળના ખેલાડી હંમેશાંથી રહ્યાં છે. જેઓ પાટીદાર સમાજને આગળ કરી રહ્યા છે આ એમની ભાવના છે કે પાટીદાર દીકરી આગળ આવે કે કોઈ પ્રેશર છે. હાલમાં જાણકારો અનાર પટેલની આ નિમણુંકને પાટીદાર સમાજનો માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યાં છે. હાલમાં ગુજરાતના સીએમ એ ભૂપેન્દ્ર પટેલ છે પણ એમના પછી કોણ એ પાટીદારો માટે ચિંતાનો વિષય છે. જે પ્રકારે અન્ય યુવા નેતાઓ આગળ આવી રહ્યાં છે એ જોઈને પાટીદાર સમાજના કેન્દ્ર ખોડલધામને પણ ચિંતા છે કે પાટીદારો એ મુખ્ય રાજકીય પ્રવાહમાંથી બહાર ન નીકળી જાય…

  • આનંદીબેન પટેલની દીકરી છે અનાર પટેલ, પાટીદાર સમાજના સૌથી મોટા સંગઠન ખોડલધામમાં એન્ટ્રી દેખાડે છે કે આગામી સમયમાં મોટો ખેલ થઈ શકે છે. 
  • સૌરાષ્ટ્રમાં આપનો પગપેસારો રોકવા અને પાટીદાર સમાજમાં આનંદીબેન પટેલ હજુ સક્રિય હોવાનો નવો મેસેજ પાસ કરવા માટે અનાર પટેલ સક્રિય થયા
  • ખોડલધામ હંમેશાં રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદાર સમાજમાં જબરદસ્ત દબદબો
  • મહિલા પૂર્વ મુખ્યમંત્રીની દીકરી અને શિક્ષિત બિઝનેસમેન છે અનાર પટેલ
  • પાટીદાર સમાજના સૌથી મોટા પ્લેટફોર્મથી ભાજપમાં ભવિષ્યની એન્ટ્રી, ખોડલધામ સંસ્થા બની શકે અનાર પટેલની એન્ટ્રી પોઈન્ટ
  • લોકો ચર્ચા કરે છે કે ભાજપનો દરવાજો ખખડાવવાની શરૂઆત, ગુજરાતમાં ભાજપનું આનંદીબેનનું જૂથ સક્રિય નવી આશાનો સંચાર
  • હાલમાં ભાજપ યુવાપેઢીને રાજકારણમાં તક આપે છે. ગુજરાતમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ નીતિન નબિન છે. ભાજપ હાલમાં યુવા પેઢીને આગળ કરી રહી છે. 2027ની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજનો મોટો ચહેરો બની શકે છે.
  • ગુજરાતમાં એક સમયે એક મોટો વર્ગ એમ માનતો થયો હતો કે આનંદીબેનના જૂથનું અમિત શાહ અને પાટીલ જૂથમાં વીલીનીકરણ થયું પણ હવે અલગ ચોકો રચાશે….
  • આનંદીબેને અનાર પટેલને સક્રિય કરી સાબિત કરી દીધું કે “ગુજરાતની શેરની અભી જિંદા હૈ”
  • હવે ગુજરાતમાં આનંદીબેન પટેલનું જૂથ સક્રિય બનશે, પાટીદારોની સંસ્થા દ્વારા ભાજપનો પાટીદાર મતબેંક મજબૂત કરવાનો સૌથી મોટો દાવ
  • આનંદીબેનનું પણ ગુજરાતમાં કદ મપાઈ જશે… ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ નહીં પણ નરેશ પટેલનો પણ વિકલ્પ બની શકે છે.

આ માત્ર સોશિયલ એક્ટિવિટી નથી, આ સોફ્ટ પૉલિટિકલ લોન્ચ કેટલાક 2027ની વિધાનસભા ચૂંટણીની શરૂઆત ગણાવી રહ્યા છે

નરેશ પટેલ અને જયેશ રાદડિયાને આડો ચંદરમાં
ખોડલધામ ભલે સામાજિક સંગઠન કહેવાતું પણ હંમેશાં ગુજરાતના રાજકારણમાં આ સંગઠનની ચંચૂપાત હોય છે. હાલમાં ગુજરાતમાં સૌથી પાવરફૂલ હોય તો એ પાટીદારો છે. પાટીદાર સમાજ કોઈ પણ સંજોગોમાં હાથમાંથી ગુજરાતની સત્તાને જવા દેવા માગતો નથી. માધવસિંહ સોલંકી બાદ પાટીદાર સમાજના વધેલા દબદબાને ભૂપેન્દ્રભાઈ પટેલે જાળવ્યો છે. હવે હાલમાં પાછળ નજર કરે તો પાટીદાર સમાજના નેતાઓ સત્તાથી દૂર થતા જાય છે. ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના નેતા જયેશ રાદડિયાને પણ સૌરાષ્ટ્રમાં આગળ કરવાનો પ્રયાસ કરાયો હતો પણ એમને ઈફ્કોમાં કરેલી મનમાનીને પગલે એ ભાજપ સાથે પણ જોડાયેલા છે પણ મનથી મેળ નથી એ હકિકત છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયાને આડો ચંદરમાં છે. નરેશ પટેલ અને રાદડિયા ભલે એક મંચ પર બેસતા હોય પણ બંને વચ્ચેની કડવાશને દૂર થતા સમય લાગશે.

આગામી સમયમાં અનાર પટેલ સામાજિક રીતે સક્રિય
હાલમાં ગુજરાતમાં અમિત શાહ અને જૂથ અને પાટીલ જૂથ પોતાનો દબદબો ધરાવે છે. આનંદીબેન પટેલના જૂથનો એક સમયે દબદબો હતો પણ આનંદીબેન યુપીના રાજ્યપાલ બન્યા બાદ એમને ગુજરાત તરફ ધ્યાન ઓછું રાખતાં આ જૂથના નેતાઓ ધીરેધીરે બીજા જૂથોમાં જોડાઈ ગયા હતા પણ આજની આ હલચલ બાદ આનંદીબેન જૂથ ફરી સક્રિય થઈ શકે છે. ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે અનાર પટેલને ખોડલધામમાં આગળ કરવાની નીતિ ઘણાને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હોય એમ લાગી રહી છે. એક પ્રકારે આને રાજકારણમાં એન્ટ્રીની જ જાહેરાત કહી શકાય. આ કિસ્સામાં બંને તરફ ફાયદો થશે. લેઉવા પટેલ સમાજને પણ ફાયદો થશે અને અનાર પટેલને પણ ફાયદો થશે. આમ આ વિન વિન સ્ટ્રેટેજી છે એટલે જ આ જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં અનાર પટેલ સામાજિક રીતે સક્રિય થઈ જાય અને પાટીદાર સમાજની પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ખોડલધામ સંલગ્ન કાર્યક્રમો કરે તો પણ નવાઈ નહીં..

2027ની ચૂંટણી બાદ કોણ એ સૌથી મોટો સવાલ

અનાર પટેલ જો ખરેખર આગામી સમયમાં એક્ટિવ થશે તો ગુજરાતમાં 2027ની ચૂંટણી બાદ મોટા મોટા સપનાં જોતાં નેતાઓ માટે આ ઝટકા સમાન બની રહે તો નવાઈ નહીં. પાટીદાર સમાજ આર્થિક અને રાજકીય રીતે અતિ મજબૂત છે. ભાજપ 2027ની ચૂંટણીમાં વન વે જીતવાનું છે એ હાલના સમીકરણો કહી રહ્યાં છે. આપ અને કોંગ્રેસના ધમપછાડા સીટો ઘટાડી શકે પણ ભાજપને સત્તામાં આવતાં રોકી નહીં શકે. ભૂપેન્દ્ર પટેલ હાલમાં ગુજરાતના સીએમ છે પણ 2027ની ચૂંટણી બાદ કોણ એ સૌથી મોટો સવાલ છે ત્યારે આ જગ્યા ભરવા અને પ્રેશર લગાવવા માટે પાટીદાર સમાજ પણ સક્રિય થયો છે. ગુજરાતમાં ભલે ઓબીસી મતબેંકોનો દબદબો છે પણ પાટીદાર સમાજમાંથી સીએમ બનાવવા માટે હંમેશાં દિલ્હી સુધી લાંબિંગ થતું આવ્યું છે. ​


Related Posts

Load more