પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ નવી સરકારની રચના થવાની છે. હવે નજર મુખ્યમંત્રીના ચહેરા પર ટકી છે. ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે, તેનું ચિત્ર જલ્દી સ્પષ્ટ થઈ જશે. શુક્રવાર (8 મે) એ કોલકત્તામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. તેમાં પર્યવેક્ષક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. આ બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
મુખ્યમંત્રી પદના રેસમાં ઘણા નામ સામેલ છે. રાજકીય જાણકારો પ્રમાણે ભાજપ મુખ્યમંત્રી માટે રાજકીય પકડ અને સંગઠનમાં પ્રભાવને મહત્વ આપી શકે છે. પરંતુ ભાજપ બંગાળની ખુરશી કોને સોંપશે તેના પર સસ્પેન્સ યથાવત છે. આવો જાણીએ ભાજપના મુખ્યમંત્રી પદ માટે સંભવિત દાવેદારોમાં ક્યા ચહેરા સામેલ છે.
શુભેન્દુ અધિકારી
શુભેન્દુ અધિકારી વર્તમાનમાં બંગાળમાં ભાજપનો મુખ્ય ચહેરો છે. તેમનું નામ મુખ્યમંત્રીના રેસમાં સૌથી આગળ છે. તેનું કારણ તેમનું રાજકીય મહત્વ, સંગઠનમાં પકડ, પાયાની સમજ અને નેટવર્ક છે. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા છે. મમતા સરકારને સીધો પડકાર આપવાને કારણે અધિકારી ભાજપનો સૌથી મજબૂત ચહેરો માનવામાં આવે છે.
દિલીપ ઘોષ
ભાજપમાં બીજા નામની સૌથી વધુ ચર્ચા છે તે દિલીપ ઘોષ છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે અને બંગાળના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. બંગાળમાં ભાજપને મજબૂત કરવા માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની પકડ પાર્ટીમાં મજબૂત છે. તેવામાં પાર્ટી તેમને બંગાળના નવા સીએમની જવાબદારી સોંપી શકે છે.
સમિક ભટ્ટાચાર્ય
બંગાળમાં ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં સામેલ છે. તેમના નેતૃત્વમાં પાર્ટીએ વિધાનસભા ચૂંટણી જીતી છે. તેઓ 1974મા આરએસએસમાં જોડાયા હતા. બંગાળમાં તેઓ ભાજપના મહાસચિવ રહી ચૂક્યા છે. આ સિવાય પાર્ટીની રાષ્ટ્રીય કાર્યસમિતી અને પ્રદેશ ભાજપની કોર કમિટીના સભ્ય પણ રહ્યાં છે.
અગ્નિમિત્રા પોલ
ફેશન ડિઝાઇનર અગ્નિમિત્રા પોલ પણ મુખ્યમંત્રીની રેસમાં સામેલ છે. અગ્નિમિત્રા એક દમદાર નેતા માનવામાં આવે છે. 2019મા તેઓ ભાજપમાં સામેલ થયા હતા. 2021મા તેમણે પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી અને ટીએમસીની સયાની ઘોષને હરાવી ધારાસભ્ય બન્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં પાર્ટીએ તેમને બંગાળના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે આસનસોલ દક્ષિણ સીટથી જીત મેળવી હતી.