એક દેશ, એક ચૂંટણીની સંપૂર્ણ બંધારણીય પ્રક્રિયા, શું મોદી સરકારને નીતિશ-નાયડુનો સાથ મળશે?

By: nationgujarat
18 Sep, 2024

મોદી સરકારે જે ‘એક દેશ, એક ચૂંટણી’ ની વાત વર્ષોથી કરતી આવે છે, હવે તેના અમલીકરણની તૈયારી શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળણાં જ ‘એક દેશ, એક ચૂંટણી’ ને લઈને ખરડો પસાર કરવામાં આવશે. જો આવું થાય છે તો 2029 માં દેશભરમાં લોકસભાની સાથે જ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થતાં આ જાણકારી સામે આવી છે. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાના પાંચ દિવસ બાદ 9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતાં.

‘એક દેશ, એક ચૂંટણી’ મોદી સરકારની પ્રાથમિકતાઓમાંથી એક છે. 2024 ની લોકસભા ચૂંટણી ઢંઢેરામાં પણ ભાજપે તેનો ઉલ્લેખ કર્યો હતો અને વચન આપ્યું હતું કે, કમિટીની ભલામણોને લાગૂ કરવા પર કામ કરવામાં આવશે.

આ વર્ષે15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ એક દેશ, એક ચૂંટણી માટે તમામ લોકોને આગળ આવવાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘દેશમાં વારંવાર ચૂંટણી, દેશની પ્રગતિમાં રૂકાવટ બની રહી છે, ગતિરોધ પેદા કરે છે. આજે કોઈપણ યોજનાને ચૂંટણી સાથે જોડી દેવું ખૂબ સરળ બની ગયું છે. કારણ કે, દર ત્રીજા મહિને, છઠ્ઠા મહિને કોઈને કોઈ ચૂંટણી ચાલ્યા કરે છે.’

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એનડીએ સરકાર આ કાર્યકાળમાં તેની સાથે જોડાયેલું બિલ લાવવા ઈચ્છે છે. સરકારને આ બિલ પર ફક્ત સહયોગી જ નહીં પરંતુ અન્ય રાજકીય પાર્ટી તરફથી સમર્થન મળવાની પણ આશા છે.

બંધારણીય રીતે કેવી રીતે બનશે શક્ય? 

જો સરકાર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા ઈચ્છે છે, તો સૌથી પહેલાં બંધારણમાં સંશોધન કરવું પડશે. ગત વર્ષે સંસદમાં સરકારે જણાવ્યું હતું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવા માટે બંધારણમાં પાંચ સંશોધન કરશે.

અનુચ્છેદ-83

અનુચ્છેદ 83 મુજબ, લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી રહેશે. અનુચ્છેદ 83(2) માં આ કાર્યકાળને ફક્ત એકવાર એક વર્ષ માટે વધારવાની જોગવાઈ છે.

અનુચ્છેદ-85

અનુચ્છેદ 85 માં રાષ્ટ્રપતિને સમય પહેલાં લોકસભા ભંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

અનુચ્છેદ-172

આ અનુચ્છેદમાં વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી નક્કી કરવામાં આવ્યો છે. જોકે, અનુચ્છેદ 83(2) હેઠળ, વિધાનસભાનો કાર્યકાળ પણ એક વર્ષ સુધી વધારી શકાય છે.

અનુચ્છેદ-174

જે પ્રકારે રાષ્ટ્રપતિની પાસે લોકસભા ભંગ કરવાનો અધિકાર છે, તે જ પ્રકારે અનુચ્છેદ 174 માં રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

અનુચ્છેદ-356

આ અનુચ્છેદમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યપાલની ભલામણ પર કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે.

શું ખરેખર એક રાષ્ટ્ર, એક ચૂંટણી શક્ય છે? 

બંધારણમાં અનુચ્છેદ 368 સંસદને બંધારણીય સંશોધન કરવાની શક્તિ આપે છે, સરત એટલી જ છે કે, તેનાથી બંધારણના મૂળભૂત માળખાને નુકસાન ન થાય. એટલે કે, સંસદ બંધારણની મૂળ ભાવનાને બદલી શકે નહીં.

બંધારણ તો સરકારને સંસોધન કરવાની મંજૂરી આપે છે, પરંતુ આ સંસોધન માટે ખરડો પસાર કરવો પડે છે. આ ખરડાને સંસદના બંને ગૃહ- લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરવો જરૂરી છે. એટલું જ નહીં, જો સંસદના બંને ગૃહોમાંથી આ ખરડો પસાર થઈ જાય છે, તો પણ ઓછામાં ઓછી 15 રાજ્યોની વિધાનસભામાંથી તેને મંજૂર કરાવવું પડે છે.

શું ભાજપને મળશે સમર્થન? 

જો સરકાર એક દેશ, એક ચૂંટણી માટે બંધારણીય સંશોધન કરવા ઈચ્છે છે તો તેને રાજકીય પાર્ટીઓના સમર્થનની જરૂર પડશે. કેન્દ્રની એનડીએ સરકારમાં ભાજપ સિવાય ચંદ્રબાબુ નાયડૂની ટીડીપ, નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાનની એલજેપી(આર) મોટી પાર્ટીઓ છે. જેડીયુ અને એલજેપી(આર) તો એક દેશ, એક ચૂંટણી માટે રાજી છે, પરંતુ ટીડીપીએ હજુ સુધી આ વિષય પર કોઈ જવાબ આપ્યો નથી.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં બનેલી સમિતિએ 62 રાજકીય પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો. તેમાંથી 32 પાર્ટીએ એક દેશ, એક ચૂંટણીનું સમર્થન કર્યું હતું. જોકે, 15 પાર્ટીઓ તેના વિરોધમાં હતી. 15 એવી પાર્ટી પણ હતી જેણે કોઈ જવાબ આપ્યો નહતો.

જેડીયુ અને એલજેપી (આર) એ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપતા કહ્યું હતું કે, તેનાથી સમય અને પૈસાની બચત થશે. ટીડીપીએ કોઈ જવાબ આપ્યો નથ. જોકે, 2018 માં લૉ કમિશનરની સામે ટીડીપીએ તર્ક આપ્યો હતો કેસ, તેનાથી બંધારણના મૂળભૂત માળખાને નુકસાન પહોંચી શકે છે.

વળી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિતની 15 પાર્ટીઓએ કોઈ જવાબ આપ્યો નથી.

હવે આગળ શું થશે? 

એક દેશ, એક ચૂંટણીથી સૌથી પહેલાં તો સરકારને ખરડો પસાર કરવો પડશે. કારણ કે, આ ખરડાથી બંધારણમાં સંશોધન કરી શકાશે. આ ખરડો પસાર કરવા માટે બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન મળવું જરૂરી છે. એટલે કે, લોકસભામાં આ ખરડો પસાર કરવા ઓછામાં ઓછા 362 અને રાજ્યસભા માટે 163 સભ્યોનું સમર્થન જરૂરી છે. સંસદમાંથી ખરડો પસાર થયા બાદ ઓછામાં ઓછા 15 રાજ્યોની વિધાનસભા પાસેથી તેની મંજૂરી લેવી પડશે. જેનો અર્થ છે કે, ઓછામાં ઓછી 15 વિધાનસભામાંથી પણ આ ખરડો પસાર થવો જરૂરી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ આ ખરડા પર સહી કરશે અને ખરડો કાયદો બની શકશે.


Related Posts

Load more