પોલીસ પક્ષની સફાઈ
આ ગંભીર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસ.આર. બાવાએ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘આ ઘટનામાં એવું બન્યું હતું કે, પેલા સૂરદાસ દાદાના ગલ્લે કોઈ પડીકું તોડવા બાબતે દાદાને દેખાતું ન હોવાથી તેમણે અમદાવાદ ગ્રામ્યના મહિલા પીએસઆઈ રાઠોડના નાના દીકરાને કાન પર લાફો મારી દીધો હતો. બાળકના કાનમાં વાગવાથી માતા તરીકે ઉપરાણું લઈને ગુસ્સામાં આવેલી એ મહિલા પીએસઆઈએ ત્યાં જઈને દાદાને ઝાપટ મારી દીધી હતી.’
PI એસ.આર. બાવાએ જણાવ્યું છે કે, ‘શરૂઆતમાં એ મેડમને ખબર નહોતી કે દાદા પ્રજ્ઞાચક્ષુ છે, પણ પછીથી પોલીસે તેમને જાણ કરી હતી, જેના કારણે તેમણે પણ દાદા સામે કોઈ વળતી ફરિયાદ કરી નહોતી. રાત્રે દાદાએ માત્ર એક અરજી આપી હતી પણ તેઓ ફરિયાદ કરવાની ના પાડતા હતા. તેમ છતાં, અમે દાદાને આજે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે અને જો તેઓ ખરેખર ફરિયાદ કરવા માંગતા હશે, તો અમે 100 ટકા તેમની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરીશું.’
કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા?
એક તરફ પીડિત પ્રજ્ઞાચક્ષુ આધેડ પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની અને પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હોવાની ગંભીર આપવીતી વર્ણવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલાને માત્ર ‘માતા તરીકે ગુસ્સામાં મારેલી ઝાપટ’ અને ‘આંતરિક સમાધાન’ તરફ વાળી રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. કાયદાના રક્ષક ગણાતા પોલીસ સ્ટેશનની અંદર જ એક દિવ્યાંગ નાગરિક સાથે થયેલું આ વર્તન હવે ચર્ચાનો વિષય બન્યું છે.