પોલીસ અને પ્રશાસન ખેતરમાં વીજપોલ નાંખતી ખાનગી કંપનીના સંરક્ષણમાં હોવાનો આક્ષેપ

By: Nation Gujarat Team
17 Jun, 2026

ખેતરમાં ખાનગી કંપનીના વીજપોલ અને તેના વળતરને લઈને ખેડૂતોએ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢી હતી. ખેડૂતને પોતાના જ ખેતરમાં જવા માટે આધારકાર્ડ બતાવવુ પડે છે એવું રેલીમાં જ ખેડૂતો બોલતા હતાં. આ બાબતે હવે વિરોધ ઉગ્ર બન્યો છે. મોરબીના જેતપરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ત્યારે ભાજપના નેતા અને પાટીદાર આગેવાન વરૂણ પટેલે રાષ્ટ્રપતિને પત્ર લખીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા ભલામણ કરી છે.

ખેતરમાં ખાનગી કંપની વીજ પોલ નાંખે છે

ભાજપના નેતા વરુણ પટેલે રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપની વીજ પોલ નાંખે છે. પોલીસ અને પ્રશાસન કંપનીના રક્ષણમાં હોય તેવી સ્થિતિનો આક્ષેપ તેમણે કર્યો હતો. રાજ્યમાં હાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવી કામગીરી ચાલી રહી છે. જેથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા ભલામણ કરવામાં આવે તેવી માગ છે. લોકોનું પણ કહેવું છે કે, પોલીસ અને પ્રશાસન ખાનગી કંપનીનો પક્ષ લઈને ખેડૂતોને હેરાન કરે છે.

વળતરને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી

વીજપોલ અને ખેતરની જમીન સંપાદનના વળતરને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોએ પાંચ માગ સાથે વિરોધ શરૂ કર્યો છે. પાંચ માગો સાથે ખેડૂતોએ બે દિવસ પહેલા જ ટ્રેક્ટર રેલી કરીને ગાંધીનગર કૂચ કરી હતી. મોરબીના .જેતપર ગામે યોજાયેલી ખેડૂતોની એક મહત્વપૂર્ણ મીટિંગમાં નવી અને ઉગ્ર લડત લડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના ભાગરૂપે ખેડૂતો હવે આમરણાંત ઉપવાસ પર ઉતરશે.


Related Posts

Load more