વણકર સમાજમાં આર્થિક સમરસતા માટે ફેરફાર, મોંઘી વિધિઓ અને ભેટ આપવા લેવા પર રોક
By: nationgujarat
10 Dec, 2025
મહેસાણા: મહેસાણા તાલુકાના ભાસરિયા ગામે ઉત્તર ગુજરાતના 42 પરગણાના વણકર સમાજ દ્વારા ત્રણ દિવસીય મહત્વપૂર્ણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 30,000થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનનો મુખ્ય હેતુ 13 વર્ષ પહેલાં રચાયેલા સમાજના સામાજિક બંધારણમાં સમયની માંગ મુજબ સુધારાઓ કરવાનો હતો. લાંબા સમયથી સમાજના યુવાનો અને આગેવાનો આર્થિક બોજ ઘટાડવા તથા પરંપરાગત રીતરિવાજોને સરળ બનાવવામાં પરિવર્તનની માંગ કરી રહ્યા હતા, જેને આ સંમેલનમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ મંત્રી ગિરીશભાઈ પરમાર, વણકર મહાસંઘના પ્રમુખ મનુભાઈ વણકર તેમજ સામાજિક કાર્યકર ડેવિડભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં સમાજના હિત માટે કેટલાક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.
પ્રથમ, સમાજ દ્વારા મોંઘા અને અનાવશ્યક સામાજિક પ્રસંગો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલના સમયમાં લગ્ન, રિંગ સેરેમની, વેડિંગ, પાર્ટી અને ભવ્ય કાર્યક્રમો પર થતો ભારે ખર્ચ મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો પર ભારે બોજ બની રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજે નક્કી કર્યું છે કે આવા મોંઘા કાર્યક્રમો હવે તાત્કાલિક અસરથી બંધ રહેશે. લગ્નવિધિ સરળ, પરંપરાગત અને ઓછા ખર્ચમાં કરવાની રહેશે અને મોંઘી ભેટ આપવી-લેવી પર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજમાં આર્થિક સમાનતા અને સમરસતા વધશે તેવી આશા છે.
સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, “આજથી 13 વર્ષ પહેલાં આવા નિયમો ન હતા. આ ઉપરાંત વધારાના ખર્ચા પર પ્રતિબંધ ન હોવાને કારણે સમાજમાં શૈક્ષણિક અછત હતી અને સમાજને લાભ થતો ન હતો. એટલે 13 વર્ષ બાદ બધા આગેવાનો ભેગા થઈને આ પ્રકારના નિયમો બનાવવાના અને અમલમાં મૂકવાના નિર્ણય માટે આ સંમેલન યોજાયું હતું.”
સમાજે શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે સમાજનો દરેક સભ્ય દર વર્ષે રૂપિયા 1,001 ફંડમાં જમા કરશે. આ ભંડોળનો ઉપયોગ સમાજના યુવાઓને શૈક્ષણિક રીતે આગળ લાવવા, સ્કોલરશિપ આપવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા, તેમજ હોસ્ટેલ અને અભ્યાસ સહાય પૂરી પાડવા માટે કરવામાં આવશે. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વિશાળ લાભ થશે અને સમાજના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો પડશે.આ તમામ સુધારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમાનતા, સરળતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું. સમાજમાં સરળ રીતરિવાજ, ઓછા ખર્ચા અને શિક્ષણને પ્રાથમિકતા આપવાથી આગામી પેઢી વધુ સશક્ત બને તેવો વિશ્વાસ વ્યક્ત થયો. ભાસરિયામાં યોજાયેલ આ ઐતિહાસિક સંમેલન વણકર સમાજ માટે એક માઈલસ્ટોન સાબિત થયું છે. સમાજે મોંઘા સામાજિક ખર્ચા પર અંકુશ મૂકી, શિક્ષણને મજબૂત બનાવવા અને સામાજિક બંધારણને સમયોપયોગી બનાવવાના જે સુધારા કર્યા છે તે સમાજના વિકાસ માટે એક મોટી ઝંપલાવવાનું પગલું બની રહેશે.