વલસાડ જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે થતા ખીલવાડને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી અને આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ અને પ્રતિબંધિત એનાલોગ પનીરનું વેચાણ કરતા દુકાન સંચાલકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમોએ વલસાડ, પારડી, ધરમપુર, વાપી અને ઉમરગામ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં એકસાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિવિધ ડેરીઓ અને ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને ત્યાં સઘન દરોડા પાડ્યા હતા.
આ ખાસ ઝુંબેશ દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ્સની તપાસ કરીને અત્યાર સુધીમાં 75 કિલોથી વધુ એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક એવા આ ભેળસેળયુક્ત પનીર વિરુદ્ધ કડક એક્શનથી એનાલોગ પનીર અને અન્ય બનાવટી ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વેપારીને બક્ષવામાં આવશે નહીં. શંકાસ્પદ ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તહેવારો અને સામાન્ય દિવસો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સાત્વિક સામગ્રી મળી રહે તે માટે સમગ્ર વલસાડ જિલ્લામાં આવી આકસ્મિક તપાસની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.