ઓસ્ટ્રેલિયન ધારાસભ્ય વોરેન કીર્બીએ વડતાલધામ સીડનીને એક લાખ ડોલરની કોમ્યુનિટી વાન અર્પણ કરી

By: Nation Gujarat Team
12 Jul, 2026

વડતાલધામ સ્વામિનારાયણ મંદિરને ઓસ્ટ્રેલિયન ધારાસભ્ય વોરેન કીર્બીએ એક લાખ ડોલરની કોમ્યુનિટી વાન અર્પણ કરી. તેમણે જણાવ્યું કે, વડતાલધામ સ્વામિનારાયણની આ વાનના ઉદ્ઘાટન પ્રસંગે આજે અહીં ઉપસ્થિત રહેતા મને ખૂબ જ ગર્વ થાય છે.આ વાન વડતાલધામ સિડનીના સ્વયંસેવકો , વડીલો અને સત્સંગી મંડળના એવા લોકોને મંદિરે લાવવામાં મદદ કરશે જેઓ પોતાની જાતે આવી શકતા નથી. વડતાલધામ સિડની આપણા સ્થાનિક વિસ્તારમાં ચેરિટી (સેવાકીય) કાર્યોમાં મોટા પાયે જોડાયેલું છે; જેમ કે અન્નદાન (Food Drives), રક્તદાન કેમ્પ, દાન આપવું અને આપણા સમુદાયને એક બહેતર સ્થાન બનાવવા માટે લોકો સાથે મળીને કામ કરવું.
ઉપરોક્ત શબ્દો ન્યુ સાઉથ વેલ્સના મેમ્બર ( ધારાસભ્ય)શ્રીએ વાન અર્પણ કરીને ઉચ્ચાર્યા હતા.

આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેનશ્રી ડો સંતવલ્લભ સ્વામી, મુખ્ય કોઠારીશ્રી દેવપ્રકાશ સ્વામી , સેક્રેટરી સંજયભાઈ પટેલ સીડની મંદિરના કોઠારી પરોપકાર સ્વામી , ભવતારક સ્વામી વગેરે સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ ઘનશ્યામભાઈ કાનાણી , નિલેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ વગેરે હાજર રહ્યા હતા.
વડતાલ સંસ્થા દ્વારા ચેરમેનશ્રી , મુખ્ય કોઠારીશ્રી , સત્સંગ મહાસભાના પ્રમુખશ્રી સહિત સહુના સંયુક્ત પ્રયાસોથી ઓસ્ટ્રેલિયા ખંડમાં સીડની , મેલબોર્ન, પર્થ , બ્રીસબેન અને એડીલેટમાં શાખા મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે.હાલ ઘરસભામાં માધ્યમે સત્સંગનું પોષણ કરનાર પૂજ્ય શ્રી નિત્યસ્વરૂપ સ્વામી સંત મંડળ સાથે ૨૦ દિવસીય ઓસ્ટ્રેલિયા સત્સંગ યાત્રામા જોડાયા છે..
ઓસ્ટ્રેલિયા ખાતે સીડનીમાં વડતાલ સંસ્થા આધ્યાત્મિક અને સામાજીક પ્રવૃતિ કરી રહી છે અને વિરાટ મંદિર નિર્માણ કરવા જઈ રહી છે.વડતાલ સંસ્થા દેશવિદેશમા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડીલ સંતોના માર્ગદર્શન પ્રમાણે સેવા પ્રવૃત્તિઓ કરી રહી છે. જેમા સીડની મુકામે ભારતીય વિદ્યાર્થીઓ ગુજરાતી ક્લાસીસ અને ૧ ડોલર ફુડ ડ્રાઇવ મુખ્ય છે..


Related Posts

Load more