વડતાલધામ દ્વિશતાબ્દિ મહા મહોત્સવ – આ દ્વિશતાબ્દી મહોત્સવનો આરંભ નથી, પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણયુગનો શુભારંભ છે:ડૉ.સંત સ્વામી

By: nationgujarat
08 Nov, 2024

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ખાતે આજ તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રજથી અંકિત થયેલી દિવ્યભૂમિ વડતાલમાં તારીખ 7થી તારીખ 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજ્જારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.
દ્વિશતાબ્દિ મહોત્સવની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા – પોથીયાત્રા તથા કળશયાત્રા તથા મહોત્સવના શુભારંભે માહિતી આપતા મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આ દ્વિશતાબ્દી મહોત્સવનો આરંભ નથી, આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણયુગનો શુભારંભ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ ઘટનાના આપણે સાક્ષી છીએ. આ મહોત્સવમાં સેવા કરવા દેશ વિદેશમાંથી પધારેલા સૌ સહજાનંદી સત્સંગી ઉપર મહારાજના આશિર્વાદ અનરાધાર, અવિરત વરસે એવી આજના શુભ દિને શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોના ચરણોમાં પ્રાર્થના છેઃ
ડૉ.સંત સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, તારીખ 7ને ગુરૂવારના રોજ સવારે 5.30 કલાકે મહેળાવથી શોભાયાત્રા નીકળી હતી. જે સવારે 7.30 કલાકે વલેટવા ચોકડી પધારી હતી. જ્યાંથી સવારે 8.00 કલાકે વલેટવા ચોકડીથી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં 5 હજાર મહિલા ભક્તો પોતાના મસ્તકે કળશ ધારણ કર્યા હતા. અને 5 હજાર મહિલા ભક્તો પોતાના મસ્તકે પોથી લઈ વડતાલ સભામંડપ પધાર્યા હતાં. સભા મંડપમાં પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી, પૂ.મોટા લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ, પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામી(સરધાર), કોઠારીશ્રી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામી, પૂ.નિલકંઠચરણદાસજી સ્વામી(જેતપુર), નડિયાદના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી સ્વામી, પૂ.માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી ગુરૂકુળ) તથા સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂ.બાપુ સ્વામી અને સંપ્રદાયના વરિષ્ઠ સંતોએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું.

આ પોથીયાત્રા કળશયાત્રા તથા શોભાયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, કથાના વક્તા જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) તથા નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) સહિત સંપ્રદાયના મોટેરા સંતો-મહંતો તથા વડતાલ – ગઢડા જુનાગઢ ધોલેરા થી પધારેલા સંતો જોડાયા હતાઃ આ ઉપરાંત માતૃશ્રી તથા સાંખ્યયોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ, મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ, 5 હજાર પોથીવાળા બહેનો, 5 હજાર કળશવાળા બહેનો તથા અન્ય બહેનો ઉપરાંત મોટી સંખ્યામાં પુરૂષ હરિભક્તો જોડાયા હતા.
સમગ્ર પોથીયાત્રામાં 10 બગીઓ, શણાગરેલ ટ્રેક્ટરો, 30 ઘોડા, ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળોવાળા 2 મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ, પોથીયાત્રામાં મીલેટરી તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પોથીયાત્રા વાજતે ગાજતે સવારે 10 કલાકે સભામંડપ સ્થળે પધારી હતી. આ સમગ્ર મહોત્સવ દરમિયાન સત્સંગીઓને બે કથા પારાયણ શ્રવણનો લાભ મળશે જેમાં સવારના સત્રમાં જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) શ્રીજી પ્રસાદી મહાત્મ્ય કથાનું રસપાન કરાવશે જ્યારે બપોરના સત્રમાં પૂ.નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું રસપાન કરાવશે.

પોથી યાત્રાની સાથે સાથે
સવારે ૫:૩૦ કલાકે મહેળાવથી શરૂ થયેલ શોભાયાત્રા – પોથીયાત્રા કળશયાત્રા ૧૦:૧૫ કલાકે સભા મંડપ ખાતે પધારી હતી.
પોથીયાત્રામાં મીલેટરી તોપ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
બાબાની નંદી સવારી તે પણ દર્શકોનું આકર્ષણ બની હતી.
પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ, મુંબઈ બાલિકા મંડળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
પોથીયાત્રામાં ચાર ગજરાજ હતા.
૧૦ બગીઓ
૩૦ ઘોડા ઉપરાંત નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર મ્યુઝીક બેન્ડ જોડાયા હતા.
પોથીયાત્રામાં અડધા લાખથી વધુ દેશ – વિદેશના સત્સંગી ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા.
સંજાયાના સત્સંગીઓ દ્વારા પોથીયાત્રા તથા આચાર્ય મહારાજશ્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયુહતું.


Related Posts

Load more