USની બ્રાઉન યુનિવર્સિટીમાં ચાલુ પરીક્ષાએ અંધાધૂંધ ફાયરિંગ, 2નાં મોત

By: Nation Gujarat Team
14 Dec, 2025

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે ગોળીબાર થયો. જેમાં બે લોકો માર્યા ગયા અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રોવિડન્સના મેયરે જણાવ્યું કે આ ઘટના યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વિભાગમાં બની, જ્યાં ફાઇનલ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ હાજર હતા. મેયરે જણાવ્યું કે ગોળીબારની માહિતી બપોરે લગભગ 4 વાગ્યે મળી અને હુમલાખોર ઇમારતમાંથી ભાગી ગયો. પોલીસ હજુ પણ તેની શોધ કરી રહી છે. શરૂઆતમાં યુનિવર્સિટીએ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવાની માહિતી આપી હતી, પરંતુ બાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેનો ઘટના સાથે કોઈ સંબંધ નહોતો અને તે નિર્દોષ છે.

ફાઇનલ એક્ઝામ દરમિયાન કાળા કપડાંમાં એક વ્યક્તિએ એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં બે લોકોનાં મોત થયા છે જ્યારે આઠ ગંભીર રીતે ઘાયલ થયા. હુમલાખોર હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. વિસ્તારમાં શેલ્ટર-ઇન-પ્લેસ ઓર્ડર લાગુ છે, જેના હેઠળ લોકોને ઘરોમાં રહેવા અને દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. પોલીસ અને એફબીઆઈની ટીમ કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગોળીબારની જાણ થતાં જ કેમ્પસમાં ગભરાટ ફેલાઈ ગયો. યુનિવર્સિટીએ તરત જ એલર્ટ જાહેર કર્યું અને વિદ્યાર્થીઓને દરવાજા બંધ કરવા, ફોન સાયલન્ટ કરવા અને છુપાઈ જવાની સલાહ આપી.

હુમલાખોરની શોધ શરૂ

પ્રોવિડન્સ શહેરના ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ ટિમોથી ઓ’હારાએ જણાવ્યું કે હુમલાખોર એક પુરુષ છે જેણે કાળા કપડાં પહેર્યા હતા. તે બિલ્ડિંગમાંથી હોપ સ્ટ્રીટ તરફ ભાગી ગયો છે. ગોળીબારના ત્રણ-ચાર કલાક પછી પણ પોલીસ કેમ્પસની ઇમારતોની તલાશી લઈ રહી હતી અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી રહી હતી. મેયર બ્રેટ સ્માઇલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઘાયલોની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. તેઓ બધા રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં દાખલ છે. મેયરે એમ પણ કહ્યું કે તમામ સંસાધનોનો ઉપયોગ કરીને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ ચાલુ છે. લોકોને ઘરોમાં રહેવા અને બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. એફબીઆઈ પણ તપાસમાં મદદ કરી રહી છે. મેયરે પીડિતો વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું કે આ શહેર અને રાજ્ય માટે ખૂબ જ દુઃખદ દિવસ છે.


Related Posts

Load more